મેલબોર્નઃ સર્બિયાના સ્ટાર નોવાક જોકોવિચે સતત ત્રીજા ગ્રાન્ડસ્લેમ પર કબજો કર્યો છે. રવિવારે જોકોવિચે વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનના સિંગલ્સના ફાઇનલમાં સ્પેનના વર્લ્ડ નંબર-2 રાફેલ નડાલના પડકારનો ધ્વસ્ત કર્યો હતો. વર્લ્ડ નંબર-1 જોકોવિચે રોડ લેવર એરિનામાં 2 કલાક 4 મિનિટ સુધી ચાલેલા મેચમાં નડાલને  6-3, 6-2, 6-3થી પરાજય આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

31 વર્ષના જોકોવિચે રેકોર્ડ સાતમી વખત (2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019) ઓસ્ટ્રેલિયન ઓપન જીતીને નોર્મન બ્રૂક્સ ટ્રોફી જીતી છે. ઓસ્ટ્રેલિયન ઓપનના ઓલટાઇમ વિજેતાઓની વાત કરીએ તો જોકોવિચ સ્વિસ સ્ટાર રોજર ફેડરર અને રોય ઇમર્સનને પાછળ છોડ્યા, જેના નામે 6-6 ટાઇટલ છે. 


આ જોકોવિચનું 15મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ છે. આ ખિતાબની સાથે તે પીટ સામ્પ્રાસને છોડીને સર્વાધિક ગ્રાન્ડસ્લેમ જીતવાની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. 



બીજીતરફ 32 વર્ષના નડાલ 2009 બાદ બીજીવાર ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ પોતાના કબજે કરતા ચુકી ગયો હતો. તે ઓપન યુગમાં તમામ ચારેય ગ્રાન્ડસ્લેમ ઓછામાં ઓછા બે વખત જીતનાર ખેલાડી પણ ન બની શક્યો. 


જોકોવિચ અને નડાલ વચ્ચે આ 53મો મુકાબલો હતો. જોકોવિચે 28મી વખત બાજી મારી જ્યારે નડાલે 25 મેચમાં જીત મેળવી છે. ગ્રાન્ડસ્લેમ ફાઇનલની વાત કરીએ તો બંન્ને ખેલાડીનો આઠમી વખત ગ્રાન્ડસ્લેમ ફાઇનલમાં આમનો-સામનો થયો અને જોકોવિચે ચોથી વાર જીત મેળવી છે. 



સૌથી વધુ મેન્સ સિંગલ્સ ગ્રાન્ડસ્લેમ ટોપ-4 (ઓલ ટાઇમ)


1. રોજર ફેડરર (સ્વિટ્ઝર્લેન્ડ) 20 (ઓસ્ટ્રેલિયન-6, ફ્રેન્ચ-1, વિમ્બલ્ડન-8, યૂએસ-5)


2. રાફેલ નડાલ (સ્પેન) 17  (ઓસ્ટ્રેલિયન-1, ફ્રેન્ચ-11, વિમ્બલ્ડન-2, યૂએસ-3)



3. નોવાક જોકોવિચ (સર્બિયા) 15  (ઓસ્ટ્રેલિયન-7, ફ્રેન્ચ-1, વિમ્બલ્ડન-4, યૂએસ-3)


4. પીટ સૈમ્પ્રાસ (અમેરિકા) 14  (ઓસ્ટ્રેલિયન-2, ફ્રેન્ચ-0, વિમ્બલ્ડન-7, યૂએસ-5)