કપિલ દેવની આગેવાની વાળી સીએસીને હિતોના ટકરાવની નોટિસ
સીએસીમાં કપિલ, શાંતા રંગાસ્વામી અને અંશુમન ગાયકવાડ સામેલ છે, જેમણે હાલમાં ભારતના મુખ્ય કોચની પસંદગી કરી હતી. તેમની વિરુદ્ધ હિતોના ટકરાવનો આરોપ લગાવવામાં આવ્યો છે, જેના પર તેમણે 10 ઓક્ટોબર સુધી જવાબ આપવાનો છે.
નવી દિલ્હીઃ બીસીસીઆઈના આચરણ અધિકારી ડીકે જૈને (Dk Jain) શનિવારે કપિલ દેવની આગેવાની વાળી ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)ને હિતોના ટકરાવના સંબંધમાં નોટિસ મોકલી છે. સીએસીમાં કપિલ, શાંતા રંગાસ્વામી અને અંશુમન ગાયકવાડ સામેલ છે, જેમણે હાલમાં ભારતના મુખ્ય કોચની પસંદગી કરી હતી. તેમની વિરુદ્ધ હિતોના ટકરાવનો આરોપ લગાવવામાં આવ્યો છે, જેના પર તેમણે 10 ઓક્ટોબર સુધી જવાબ આપવાનો છે.
મધ્ય પ્રદેશ ક્રિકેટ સંઘ (એમપીસીએ)ના આજીવન સભ્ય સંજીવ ગુપ્તાએ આ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ સમિતિએ ઓગસ્ટમાં રવિ શાસ્ત્રીની મુખ્ય કોચ તરીકે પસંદગી કરી હતી. બીસીસીઆઈ અધિકારીએ કહ્યું, 'હા, તેને ફરિયાદનો જવાબ એફિડેવિડ સાથે આપવાનું કહેવામાં આવ્યું છે.' બીસીસીઆઈના બંધારણ પ્રમાણે સીએસીનો કોઈ સભ્ય ક્રિકેટમાં કોઈ અન્ય ભૂમિકા નિભાવી શકતો નથી.
ગુપ્તાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે, સીએસીના સભ્ય એક સાથે ઘણી ભૂમિકાઓ નિભાવી રહ્યાં છે. તેણે લખ્યું કે, 1983ની વિશ્વ ચેમ્પિયન ટીમના કેપ્ટન કપિલ સીએસી સિવાય કોમેન્ટ્રેટર, એક ફ્લડલાઇટ કંપનીના માલિક અને ભારતીય ક્રિકેટર્સ સંઘના સભ્ય છે. આ રીતે ગુપ્તાએ આરોપ લગાવ્યો કે, ગાયકવાડનો પણ હિતોનો ટકરાવ બને છે, કારણ કે તે એક એકેડમીના માલિક છે અને બીસીસીઆઈથી માન્યતા પ્રાપ્ત સમિતિના સભ્ય છે.
ગુપ્તા અનુસાર પૂર્વ ભારતીય મહિલા કેપ્ટન રંગાસ્વામી સીએસી સિવાય આઈસીએમાં પણ છે. સીએસીએ ડિસેમ્બરમાં મહિલા ટીમના મુખ્ય કોચના રૂપમાં ડબ્લ્યૂ વી રમનની પસંદગી કરી હતી, પરંતુ ત્યારે તે એડહોમ સમિતિ હતી.