પીવી સિંધુનું સપનું રોળાયું, થાઇલેન્ડ ઓપનના ફાઇનલમાં ઓકુહારા સામે થયો પરાજય
વર્લ્ડ નંબર-8 નોજોમી ઓકુહારાએ પ્રથમ ગેમ 21-15થી જીતી, જ્યારે બીજી ગેમ તેણે 21-18થી જીતીને ટાઇટલ પોતાના નામે કરી લીધું.
બેંગકોક (થાઇલેન્ડ): 350,000 ડોલર ઈનામી રાશિના થાઇલેન્ડ ઓપન વિશ્વ ટૂર સુપર 500 ટૂર્નામેન્ટના મહિલા સિંગલના ટાઇટલ મુકાબલામાં પીવી સિંધુનો પરાજય થયો. રિયો ઓલંમ્પિકની સિલ્વર મેડલ વિજેતા સિંધુને જાપાનની નોજોમી ઓકુહારાએ સીધા સેટમાં 15-21 અને 18-21થી પરાજય આપ્યો. આ છઠ્ઠીવાર છે કે જ્યારે ઓકુહારાએ સિંધુને હરાવી છે. બંન્ને વચ્ચે અત્યાર સુધી રમાયેલા 11 મેચમાં પાંચમાં સિંધુને જીત મળી છે.
જાપાની શટલર માટે આ મેચ અપેક્ષાકૃત સરળ રહ્યો. પીવી સિંધુ પ્રથમ ગેમમાં લયમાં ન દેખાઇ, જ્યારે બીજી ગેમમાં ટક્કર આપ્યા બાદ પણ હાર મળી. આ રીતે સિંધુનું થાઇલેન્ડ ઓપન જીતવાનું સપનું તૂટી ગયું. પીવી સિંધુ પ્રથમવાર આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. તેની પાસે 2012માં આ ટૂર્નામેન્ટ જીતનાર સાઇના નેહવાલના રેકોર્ડની બરોબરી કરવાની તક હતી, પરંતુ તે અસફળ રહી.
વર્લ્ડ નંબર-8 નોજોમી ઓકુહારાએ પ્રથમ ગેમ 21-15થી જીતી, જ્યારે બીજી ગેમ તેણે 21-18થી જીતીને ટાઇટલ પોતાના નામે કરી લીધું. આ પહેલા સિંધુએ સેમીફાઇનલમાં ઈન્ડોનેશિયાની ગ્રેગોરીયા મારિસ્કા તુનજુંગને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. બીજી પ્રાથમિકતા પ્રાપ્ત આ ભારતીય ખેલાજીએ તુનજુંગ વિરુદ્ધ એક કલાક ચાલેલી મેચમાં 23-21 16-21 21-9થી જીત મેળવી હતી. બીજીતરફ ઓકુહારાએ સેમીફાઇનલમાં બેઈવેન ઝાંગને 21-17 21-10થી હરાવી હતી.