હરિયાણા ભાજપના પ્રમુખને મળ્યો રેસલર યોગેશ્વર દત્ત, પાર્ટીમાં સામેલ થવાની અટકળો
રેસલર યોગેશ્વર દત્તને સોનીપત લોકસભા વિસ્તારની કોઈપણ વિધાનસભા સીટથી તેને ટિકિટ આપી શકાય છે. આ તેનો ગૃહ જિલ્લો પણ છે. હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી 21 ઓક્ટોબરે યોજાશે.
નવી દિલ્હીઃ ઓલિમ્પિક મેડલિસ્ટ રેસલર યોગેશ્વર દત્ત ભાજપમાં સામેલ થઈ શકે છે અને આગામી મહિને યોજાનારી હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનો ઉમેદવાર બની શકે છે. પાર્ટીના સૂત્રોએ બુધવારે જણાવ્યું કે, 2012 ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનાર યોગેશ્વર દત્ત હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી ટિકિટનો દાવેદાર પણ હતો.
પાર્ટીના રાજ્ય એકમે તેના નામની ભલામણ કરી. હરિયાણામાં રહેનાર કુશ્તી ખેલાડીએ બુધવારે અહીં હરિયાણા ભાજપના અધ્યક્ષ સુભાષ બરાલા સાથે મુલાકાત કરી અને જાણ કરી કે તેણે હરિયાણા પોલીસ પદ પરથી રાજીનામું આપી દીધું છે.
દત્તે 2014મા કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને તેને 2013મા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યો હતો. સૂત્રો પ્રમાણે, સોનીપત લોકસભા વિસ્તારની કોઈપણ વિધાનસભા સીટથી તેને ટિકિટ આપી શકાય છે. આ તેનો ગૃહ જિલ્લો પણ છે. હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી 21 ઓક્ટોબરે યોજાશે.
મહિલા રેસલર બબીતા ફોગાટ હાલમાં પોતાના પિતાની સાથે ભાજપમાં જોડાઇ હતી. અહેવાલ પ્રમાણે તે પણ વિધાનસભાની ચૂંટણીમાં ઉતરી શકે છે.