ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટઃ ભારતે જાપાનને 6-3થી આપ્યો પરાજય
જાપાનમાં રમાઇ રહેલી હોકી ઓલિમ્પિક ઇવેન્ટમાં ભારતે યજમાન ટીમને 6-3થી કારમો પરાજય આપ્યો છે. ભારતે શરૂઆતથી યજમાન ટીમ પર દમદાર પ્રદર્શન કરી દબાવ બનાવી રાખ્યો હતો.
ટોક્યોઃ ભારતીય હોકી ટીમે અહીં ચાલી રહેલી ઓલિમ્પિક ટેસ્ટ ઈવેન્ટમાં પોતાની બીજી જીત મેળવતા મંગળવારે જાપાનને 6-3થી પરાજય આપ્યો હતો. ભારતે પ્રથમ મેચમાં મલેશિયા વિરુદ્ધ 6-0થી શાનદાર જીત મેળવી હતી, પરંતુ બીજી મેચમાં તેણે ન્યૂઝીલેન્ડ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડે રોમાંચક મેચમાં ભારતને 2-1થી હરાવ્યું હતું.
યજમાન જાપાન વિરુદ્ધ ભારતે શરૂઆતથી દમદાર પ્રદર્શન કર્યું હતું. ત્રીજી મિનિટમાં યુવા ખેલાડી નીલકાંતા શર્માએ ગોલ કરતા મહેમાન ટીમને લીડ અપાવી હતી. ત્યારબાદ ચાર મિનિટ પછી, નીલમ શેસના મૂવ પર ગોલ કરતા ભારતે લીડને બમણી કરી દીધી હતી. જાપાનની ટીમ આ શરૂઆતી હુમલાને રોકવામાં નિષ્ફળ રહી અને 9મી મિનિટમાં મનદીપ સિંહે ગોલ કરતા સ્કોર 3-0 કરી દીધો હતો.
બીજા ક્વાર્ટરમાં કેનતારો ફુકૂદા (25મી મિનિટ)એ જાપાન માટે ગોલ કર્યો, પરંતુ 29મી અને 30મી મિનિટમાં મનદીપે ગોલ કરતા પોતાની હેટ્રિક પૂરી કરી અને યજમાન ટીમને બેકફુટ પર લાવી દીધી હતી. જાપાની ત્યારબાદ વાપસીનો પ્રયત્ન કર્યો પરંતુ તેને સફળતા ન મળી.
પરંતુ યજમાન ટીમે બે ગોલ જરૂર કર્યાં હતા. મેચની 36મી મિનિટમાં જાપાન માટે કેન્તા તનાકા અને 52મી મિનિટમાં કાજૂમા મુરાતાએ ગોલ કર્યો હતો. ભારત માટે મુકાબલાનો છઠ્ઠો ગોલ 41મી મિનિટે ગુરસાહિબજીત સિંહે કર્યો હતો.