હોકીઃ ન્યૂઝીલેન્ડને 5-0થી હરાવી ભારત ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટમાં ચેમ્પિયન
ભારત માટે આ મેચમાં હરમનપ્રીત સિંહ, શમશેર સિંહ, નીલકાંતા શર્મા, ગુરસાહિબજીત સિંહ અને મનદીપ સિંહે ગોલ કર્યાં હતા.
ટોક્યોઃ ભારતીય પુરૂષ હોકી ટીમે ટોક્યોમાં બુધવારે ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 5-0થી કારમો પરાજય આપ્યો હતો. ભારત માટે આ મેચમાં હરમનપ્રીત સિંગ, શમશેર સિંહ, નીલકાંતા શર્મા, ગુરસાહિબજીત સિંહ અને મનદીપ સિંહે ગોલ કર્યાં હતા.
ન્યૂઝીલેન્ડે રાઉન્ડ રોબિન મુકાબલામાં ભારતને 2-1થી પરાજય આપ્યો હતો, પરંતુ આ વખતે પરિણામ ભારતની તરફેણમાં રહ્યું હતું. ભારતે મેચની દમદાર શરૂઆત કરી અને સાતમી મિનિટમાં તેને પેનલ્ટી કોર્નર મળ્યો હતો. હરમનપ્રીતે કોઈ ભૂલ ન કરતા ગોલ કરીને ભારતને લીડ અપાવી હતી.
એક ગોલની લીડ લીધા બાદ ભારતીય ટીમે પોતાની લય જાળવી રાખી હતી. બીજા હાફની શરૂઆતમાં પણ ભારતને પેનલ્ટી કોર્નર મળ્યું. 18મી મિનિટમાં શમશેરે ગોલ કર્યો હતો. ત્યારબાદ બીજા ક્વાર્ટરમાં ભારતે ન્યૂઝીલેન્ડને ધ્વસ્ત કરી દીધુ હતું.
નીલકાંતાએ 22મી મિનિટે ગોલ કરતા સ્કોર 3-0 કરી દીધો હતો. ચાર મિનિટ બાદ ગુરસાહિબજીત સિંહે શાનદાર મૂવ બનાવીને ગોલ કર્યો હતો. ભારતને વધુ એક પેનલ્ટી કોર્નર મળતા 27મી મિનિટે મનદીપે ગોલ કર્યો હતો. ધમાકેદાર પ્રથમ હાફ બાદ બીજા હાફમાં બંન્ને ટીમ ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી. ન્યૂઝીલેન્ડે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ ભારતીય ડિફેન્સ મજબૂત રહ્યું અને કોઈપણ ગોલ ખાધા વિના ભારતે મેચ જીતી હતી.