Tokyo Olympics 2020: મહિલા હોકી ટીમની ખરાબ શરૂઆત, નેધરલેન્ડે 5-1થી આપ્યો પરાજય
ભારતીય મહિલા ટીમે ઓલિમ્પિકમાં નિરાશાજનક શરૂઆત કરી છે. વર્લ્ડ નંબર 1 નેધરલેન્ડે ભારતીય મહિલા હોકી ટીમને 5-1ના મોટા અંતરથી પરાજય આપ્યો છે.
ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics 2020) ના પ્રથમ દિવસનો અંત ભારત માટે નિરાશાજનક રહ્યો. શનિવાર 24 જુલાઈએ ભારતની છેલ્લી ઈવેન્ટમાં મહિલાઓની હોકી મેચ હતી, જ્યાં ટીમ ઈન્ડિયાએ મજબૂત વિરોધી નેધરલેન્ડના હાથે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. ત્રણ વખતની ઓલિમ્પિક ચેમ્પિયન નેધરલેન્ડે 5-1ના મોટા અંતરથી ભારતને પરાજય આપ્યો છે. એફઆઈએચ રેન્કિંગમાં પ્રથમ નંબરની ટીમ નેધરલેન્ડની સામે ભારતીય ટીમે પ્રથમ બે ક્વાર્ટરમાં સારો પડકાર આપ્યો, પરંતુ અંતિમ બે ક્વાર્ટરમાં ભારતીય ડિફેન્સ નબળો જોવા મળ્યો અને વિરોધી ટીમે એક બાદ એક ગોલ કર્યા હતા. ભારતનો આગામી મુકાબલો 26 જુલાઈએ જર્મની સામે છે.
રિયો 2016 બાદ સતત બીજીવાર ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરનાર ભારતીય મહિલા ટીમ પાસે સારા પ્રદર્શનની આશા કરવામાં આવી રહી છે. પાછલી વખતે પણ ટીમ એકપણ મેચ જીતી શકી નહતી. આ વખતે ટીમ ઈન્ડિયા પ્રથમ મુકાબલામાં સારી તૈયારી અને ફોર્મમાં હતી. પરંતુ તેને શરૂઆતમાં નેધરલેન્ડ જેવી મજબૂત ટીમનો પડકાર મળ્યો. જેને ટીમ પાર કરી શકી નહીં.
આ પણ વાંચોઃ ઓલિમ્પિકમાં વિવાદ સળગ્યો, મનિકા બત્રાએ નેશનલ કોચની મદદ લેવાની ઘસીને ના પાડી
નેધરલેન્ડે આશા પ્રમાણે મુકાબલામાં ઝડપી શરૂઆત કરી અને છઠ્ઠી મિનિટે લીડ મેળવી લીધી હતી. ટીમ માટે ફેલિસ એલબર્સે પ્રથમ ગોલ કર્યો હતો. પરંતુ ભારતીય ટીમે ચાર મિનિટ બાદ ગોલ કરી બરોબરી હાસિલ કરી લીધી હતી. આ ગોલ ટીમની કેપ્ટન રાની રામપાલે કર્યો હતો. ત્યારબાદ નેધરલેન્ડે આક્રમક પ્રહારો જારી રાખ્યા અને અંતમાં પુલ-એમાં જીત સાથે શરૂઆત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube