18 વર્ષ પહેલા આજના દિવસે ક્રિકેટ જગતે ગુમાવ્યા હતા `ડોન`
25 ફેબ્રુઆરી 2001ના 92 વર્ષની ઉંમરમાં ન્યુમોનિયાને કારણે સર ડોન બ્રેડમેનના જીવનની સફરનો અંત આવ્યો હતો.
નવી દિલ્હીઃ ક્રિકેટની પિચના 'ડોને' 18 વર્ષ પહેલા આજના દિવસે દુનિયાને અલવિદા કહી દીધું હતું. જી.. હા વાત થઈ રહી છે સર ડોન બ્રેડમેનની. 25 ફેબ્રુઆરી 2001ના 92 વર્ષની ઉંમરે ન્યુમોનિયાને કારણે તેમના જીવનની યાત્રા થોભી ગઈ હતી. ટેસ્ટ ક્રિકેટમાં ન માત્ર 99.94ની બેટિંગ એવરેજ તેમને મહાન બનાવે છે, પરંતુ તેમની ઘણી સિદ્ધિઓ ક્રિકેટને રોમાંચ આપે છે.
ઓસ્ટ્રેલિયાના પ્રતિષ્ઠિત ડોમેસ્ટિક ક્રિકેટની સ્પર્ધામાં બ્રેડમેને 1927/49 દરમિયાન 96 ઈનિંગમાં 110.19ની સર્વોચ્ચ એવરેજથી રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ તેમની એવરેજ 201.50ની રહી હતી પ્રથમ શ્રેણી ક્રિકેટમાં તેમણે 6 ત્રેવડી સદી ફટકારી (ટેસ્ટમાં આફ્રિકા વિરુદ્ધ 299 રને અણનમ રહ્યાં હતા, જેથી એક ત્રેવડી સદી ચુકી ગયા હતા). તેમણે 52 ટેસ્ટની 80 ઈનિંગમાં 618 બાઉન્ડ્રી ફટકારી હતી. તેમના બેટથી માત્ર 6 સિક્સ જ નિકળી હતી. આ દરમિયાન ટેસ્ટમાં તેમણે પ્રત્યેક 6.66 ઈનિંગમાં એક બેવડી સદી ફટકારી હતી.
સર ડોનાલ્ડ જોર્જ બ્રેડમેનનો જન્મ 27 ઓગસ્ટ 1908ના ઓસ્ટ્રેલિયાના કુંટામુંડ્રામાં થયો હતો. નવેમ્બર 1928માં તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. ડોન માટે તે પર્દાપણ ટેસ્ટ યાગદાર ન રહી, પરંતુ ઈંગ્લેન્ડ વિરુદ્ધ બ્રિસ્બેનમાં રમાયેલી તે ટેસ્ટ દરમિયાન ઘણા રસપ્રદ આંકડા સામે આવ્યા હતા.
ડોને 20 વર્ષની ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટમાં પગ મુક્યો હતો. મજાની વાત છે કે, તેમની સાથે પર્દાપણ કરી રહેલા બ્રેટ આઇરનમોન્ગર 46 વર્ષના હતા. આઇરનમોન્ગર તે સમયે ઓસ્ટ્રેલિયા તરફથી ટેસ્ટ પર્દાપણ કરનાર સૌથી વૃદ્ધ ખેલાડી હતી.
ઓસ્ટ્રેલિયા તરફથી સાતમાં નંબર પર બેટિંગમાં ઉતરેલા ડોને પ્રથમ ઈનિંગમાં 18 રન બનાવ્યા. બીજી ઈનિંગમાં છઠ્ઠા નંબર પર એક રન બનાવી શક્યા હતા. ઈંગ્લેન્ડે તે બ્રિસ્બેન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને કારમો પરાજય આપ્યો હતો. અંગ્રેજોએ તે મેચ 675 રનથી જીતી હતી. રસપ્રદ વાત છે કે, ટેસ્ટ મેચમાં સર્વાધિક રનથી જીતના મામલામાં આજે પણ તે વિશ્વ રેકોર્ડ છે. પરંતુ ઓસ્ટ્રેલિયાએ 1934માં ઈંગ્લેન્ડને 562 રનથી હરાવ્યું હતું.
તે ખેલાડી જેના કારણે 100ની એવરેજ ન પૂરી કરી શક્યા બ્રેડમેન
ડોન બ્રેડમેન માત્ર ચાર રનથી ટેસ્ટ ક્રિકેટમાં 100 ટકા ન મેળવી શક્યા, તેમના સાથી નીલ હાર્વે છેલ્લા 71 વર્ષથી તે અપરાધના બોજમાં જીવી રહ્યાં છે કે આ મહાન બેટ્સમેન જો આ વિશિષ્ટ સિદ્ધિ હાસિલ કરવાથી ચુકી ગયા, તો તે તેના માટે એટલા જ જવાબદાર છે, જેટલા ઈંગ્લેન્ડના લેગ સ્પિનર એરિક હોલીઝ.
બ્રેડમેન પોતાની છેલ્લી ઈનિંગ રમવા માટે ઉતર્યા તો તેમને ટેસ્ટ ક્રિકેટમાં 100ની એવરેજ હાસિલ કરવા માટે માત્ર ચાર રનની જરૂર હતી. ઈંગ્લિશ લેગબ્રેક ગુગલી બોલર એરિક હોલીઝે બ્રેડમેનને તેમની છેલ્લી ઈનિંગમાં શૂન્ય પર બોલ્ડ કરી દીધા અને તેમની એવરેજ 99.94 પર અટકી ગઈ હતી. હાર્વેને ત્યારે કોઈ ખ્યાલ ન હતો, પરંતુ હવે લાગે છે કે તેમણે બ્રેડમેનને આંકડા પ્રમાણે સૌથી મહત્વપૂર્ણ આંકડા પર પહોંચવાથી વંચિત કર્યા, આ બ્રેડમેનના છેલ્લા મેચથી એક મેચ પહેલાની ઘટના છે.
લીડ્સમાં રમાયેલી મેચમાં ત્યારે કિશોર હાર્વેએ પ્રથમ ઈનિંગમાં 112 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં તેઓ ક્રીઝ પર આવ્યા, જ્યારે ઓસ્ટ્રેલિયાને જીત માટે માત્ર ચાર રનની જરૂર હતી અને તેમણે પહેલા બોલ પર બાઉન્ડ્રી ફટકારીને જીત અપાવી દીધી હતી. બ્રેડમેન તે સમયે બીજા છેડે 173 રન બનાવી રમી રહ્યાં હતા અને વિજયી બાઉન્ડ્રી તેમણે ફટકારી હોત તો તે સમયે તેમની એવરેજ 100 પર પહોંચી ગઈ હોત.