T20 વિશ્વકપમાં ભારત-પાકનો મુકાબલો નક્કી નહીં, રેન્કિંગ્સે ટાળી ટક્કર
ક્રિકેટની વૈશ્વિક સંસ્ખાએ 2020માં યોજાનારા વર્લ્ડ ટી20નો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ભારત અને પાકિસ્તાન સહિત વિશ્વની ટોપ 8 ટીમો પુરૂષ ટી20 વિશ્વકપના સુપર 12 રાઉન્ડમાં સીધો પ્રવેશ કરવાનો હક મેળવી ચુકી છે.
નવી દિલ્હીઃ આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી20 વિશ્વકપમાં ભારત-પાકિસ્તાનનો મુકાબલો જોવાની ઈચ્છા રાખીને બેઠેલા બંન્ને દેશોના અસંખ્ય ફેન્સને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ થોડા નિરાશ કર્યા છે. મહત્વનું છે કે, ક્રિકેટની વૈશ્વિક સંસ્થાએ મંગળવારે 2020માં યોજાનારા ટી20 વિશ્વકપના કાર્યક્રમની જાહેરાત કરી હતી. ભારત અને પાકિસ્તાન સહિત વિશ્વની ટોપ 8 ટીમો પુરૂષોના ટી20 વિશ્વકપના સુપર 12 રાઉન્ડમાં સીધો રમવાનો હક મેળવી ચુકી છે. (અહીં જાણો સંપૂર્ણ કાર્યક્રમ)
આ રાઉન્ડમાં રમનારી તમામ 12 ટીમોને બે ગ્રુપમાં રાખવામાં આવી છે. મુદ્દો તે છે કે ભારત અને પાકિસ્તાન અલગ-અલગ ગ્રુપમાં છે. આ કારણે બંન્ને પારંપારિક કટ્ટર હરીફ વચ્ચે ટક્કર જોવા માટે ફેન્સે નોકઆઉટ (સેમીફાઇનલ અને ફાઇનલ) સુધી રાહ જોવી પડશે.
રેન્કિંગ્સે ટાળ્યો મુકાબલો
31 ડિસેમ્બર 2018ના દિવસે આઈસીસી વર્લ્ડ ટી20 આંતરરાષ્ટ્રીય ટીમ રેન્કિંગમાં જે ટોપ 8 સ્થાનો પર હતી તેને 2020માં યોજાનારા ટી20 વિશ્વકપના સુપર 12 રાઉન્ડમાં સીધો પ્રવેશ મળ્યો હતો. 31 ડિસેમ્બર 2018ના રોજ રેન્કિંગમાં પાકિસ્તાન પ્રથમ અને ભારત બીજા સ્થાને હતું તેથી બંન્નેને એક ગ્રુપમાં રાખવામાં આવ્યા નથી. 2011ના વનડે વિશ્વકપ બાદ પ્રથમવાર બનશે કે ભારત અને પાકિસ્તાન આઈસીસી દ્વારા આયોજીત કોઈપણ ટૂર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં આમને-સામને નહીં હોય.
ટી20 વિશ્વકપની તમામ મુખ્ય વાતો
અંતિમ ટક્કર એશિયા કપમાં
આતંકવાદ સહિત વિભિન્ન મુદ્દા પર ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે બંન્ને દેશો વચ્ચે ક્રિકેટની મેચ સામાન્ય રીતે આઈસીસી કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આયોજીત કરાતી ટૂર્નામેન્ટોમાં હોય છે. ગત વર્ષે યૂએઈમાં એશિયા કપનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભારત પાક વિરુદ્ધ બે મેચ રમ્યું અને બંન્નેમાં જીત મેળવી હતી.
એક જ દિવસે ભારત અને પાક રમશે
રસપ્રદ વાત છે કે આગામી વર્ષે યોજાનારા પુરૂષોના ટી20 વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો એક દિવસે પરંતુ અલગ-અલગ સમય (ભારતીય સમય પ્રમાણે) અને અલગ-અલગ શહેરોમાં રમશે. 24 ઓક્ટોબરે સિડનીમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો પાકિસ્તાન સામે છે જ્યારે તે દિવસે ભારતની ટક્કર સાઉથ આફ્રિકા સામે પર્થમાં છે. ભારતીય સમયાનુસાર સિડનીમાં મેચ બપોરે 1.30 કલાકે જ્યારે પર્થમાં મેચ સાંજે 4.30 કલાકે શરૂ થશે.