ઓવલ ટેસ્ટ, બીજો દિવસઃ બટલરની ઈનિંગ્સ ભારતને પડી ભારે, ઈંગ્લેન્ડ 332, ભારત - 174/6
ઓવલ ટેસ્ટમાં જોસ બટલરના 89 રનની મદદથી ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગ્સમાં 332નો સ્કોર બનાવ્યો, ભારત તરફથી બુમરાહ અને ઈશાંતે 3-3 જ્યારે જાડેજાએ 4 વિકેટ લીધી હતી
ઓવલ(લંડન) - ઈંગ્લેન્ડની ટેસ્ટ શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટમાં પ્રથમ ઈનિંગ્સમાં ઈંગ્લેન્ડનું પલડું ભારે થઈ ગયું છે. ઈંગ્લેન્ડે પ્રથમ દિવસના 7 વિકેટે 198ના સ્કોરથી શરૂ કરીને બીજા દિવસે કુલ 332 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 174 રન બનાવી શકી છે અને સ્ટમ્પ્સ સુધીમાં તેની 6 વિકેટ પડી ગઈ છે.
આજે બટલરનો જન્મદિવસ પણ હતો અને તેણે ટીમ માટે સૌથી વધુ રન બનાવવાની સાથે ટીમના સ્કોરને 300 પાર લઈ જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી જન્મદિવસની ઉજવણી કરી હતી. બટલરે 89 રન બનાવ્યા હતા. બટલરે સ્ટૂઅર્ટ બ્રોડ(38) સાથે ભાગીદારી કરીને લંચ સુધી ઈંગ્લેન્ડના સ્કોરને 304 સુધી પહોંચાડી દીધો હતો.
જાડેજાએ બ્રોડને 38ના સ્કોર પર આઉટ કરીને બટલર અને બ્રોડ વચ્ચેની 98 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી પર બ્રેક મારી હતી. બટલર 89 રન બનાવીને આઉટ થયો હતો. ભારત તરફથી જાડેજાએ સૌથી વધુ 4 વિકેટ, જ્યારે બુમરાહ અને ઈશાંતે 3-3 વિકેટ લીધી હતી.
બીજી ઓવરમાં ભારતની પ્રથમ વિકેટ પડી
ઈંગ્લેન્ડના 332 રનના પડકારનો સામનો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને બીજી ઓવરમાં જ પ્રથમ ઝટકો લાગ્યો હતો. ટીમના 6 રનના સ્કોરે શિખર ધવનને સ્ટૂઅર્ટ બ્રોડે એલબી આઉટ કર્યો. આ સાથે જ બ્રોડે તેની ક્રિકેટ કારકિર્દીની 432મી વિકેટ ઝડપી અને ન્યૂઝિલેન્ડના રિચર્ડ હેડલીનો રેકોર્ડ પણ તેણે તોડી નાખ્યો.
ટી બ્રેક સુધી કે.એલ. રાહુલ અને પુજારાએ ટીમના સ્કોરને 50 સુધી પહોંચાડી દીધો હતો. ટી બ્રેક બાદ સેમ કુરને રાહુલને 37ના અંગત સ્કોર પર આઉટ કર્યો. ત્યાર બાદ રમવા આવેલા કોહલીએ ચેતેશ્વર પૂજારા સાથે મળીને ટીમના સ્કોરને 100નો પાર પહોંચાડ્યો. જોકે, એન્ડરસને પુજારાને 37ના અંગત સ્કોર પર આઉટ કરીને ભારતની ત્રીજી વિકેટ પાડી દીધી. ત્યાર બાદ રમવા આવેલા રહાણે શૂન્ય રને આઉટ થયો.
વિરાટ કોહલીએ ટીમના સ્કોરને આગળ લઈ જવાનો પ્રયાસ કર્યો અને તે 49 રને સ્ટેક્સના બોલ પર કેપ્ટન જો રૂટના હાથે કેચ આઉટ થઈ ગયો. વિરાટ આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 150ને પાર થઈ ગયો હતો. ઋષભ પંત પણ વધુ રમી શક્યો નહીં. રમતના અંતે હનુમા વિહારી (25) અને રવિન્દ્ર જાડેજા (8)ના સ્કોર પર રમતમાં હતા.
ઈંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસન અને બેન સ્ટોક્સે 2-2 વિકેટ લધી. સ્ટૂઅર્ટ બ્રોડ અને સેમ કુરને 1-1 વિકેટ લીધી હતી. ભારત અત્યારે ઈંગ્લેન્ડના સ્કોરથી 158 રન પાછળ છે અને હવે તેની માત્ર 4 વિકેટ જ બાકી છે. હનુમા વિહારી અને જાડેજા પર જ બધો આધાર રહેલો છે.