બછેન્દ્રી પાલને પદ્મભૂષણ, ગંભીર અને છેત્રી સહિત 8 ખેલાડીઓને પદ્મશ્રી
પદ્મશ્રી મેળવનાર ખેલાડીઓમાં ગંભીર તથા છેત્રી સિવાય ટેબલ ટેનિસમાં રાષ્ટ્રમંડળ ગેમ્સમાં મેડલ વિજેતા શરત કમલ, આર્ચરીમાં બોમ્બયલા દેવી લૈશરામ, કુશ્તીમાં બજરંગ પૂનિયા, ચેસમાં હરિકા દ્રોણાવલ્લી, બાસ્કેટબોલમાં પ્રશાંતિ સિંહ અને કબડ્ડીમાં અજય ઠાકુરનું નામ સામેલ છે.
નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. કુલ 112 લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવશે. જેમાં 9 ખેલાડીઓના નામ સામેલ છે. માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ભારતની પ્રથમ મહિલા પર્વતારોહી બછેન્દ્રી પાલને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવશે. તો પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર અને ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે.
પદ્મશ્રી મેળવનાર ખેલાડીઓમાં ગંભીર તથા છેત્રી સિવાય ટેબલ ટેનિસમાં રાષ્ટ્રમંડળ ગેમ્સમાં મેડલ વિજેતા શરત કમલ, આર્ચરીમાં બોમ્બયલા દેવી લૈશરામ, કુશ્તીમાં બજરંગ પૂનિયા, ચેસમાં હરિકા દ્રોણાવલ્લી, બાસ્કેટબોલમાં પ્રશાંતિ સિંહ અને કબડ્ડીમાં અજય ઠાકુરનું નામ સામેલ છે.
1954માં ઉત્તરકાશીમાં જન્મેલા બછેન્દ્રીએ 1984માં વિશ્વના સૌથી ઉંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો. તેને તે વર્ષે પદ્મશ્રી આપવામાં આવ્યો હતો.
તો ભારતને 2007 વર્લ્ડ ટી20 અને 2011 વિશ્વકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પદ્મ પુરસ્કાર માટે નામિત તમામ હસ્તીઓને શુભેચ્છા આપી હતી.