IND vs PAK: વિશ્વકપમાં ભારતની ખરાબ શરૂઆત, પાકિસ્તાન સામે 10 વિકેટે પરાજય
આઈસીસી ટી20 વિશ્વકપમાં ભારતની શરૂઆત ખરાબ રહી છે. પાકિસ્તાને તમામ જૂના રેકોર્ડને પાછળ છોડતા દુબઈમાં ભારતને 10 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે વિશ્વકપના ઈતિહાસમાં પાકિસ્તાને ભારત સામે પ્રથમવાર જીત મેળવી છે.
દુબઈઃ બાબર આઝમ (68*) અને મોહમ્મદ રિઝવાન (79*) ની દમદાર બેટિંગની મદદથી પાકિસ્તાને આઈસીસી ટી20 વિશ્વકપના સુપર-12 મુકાબલામાં ભારતને 10 વિકેટે પરાજય આપીને ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી છે. આ સાથે પાકિસ્તાનની ટીમ વિશ્વકપના ઈતિહાસમાં ભારતને પ્રથમવાર હરાવવામાં સફળ રહી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 151 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને 18 ઓવરમાં વિના વિકેટે 152 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી છે.
વિશ્વકપમાં ભારત સામે પ્રથમવાર જીત્યું પાકિસ્તાન
આઈસીસી ટી20 વિશ્વકપમાં પાકિસ્તાન પ્રથમવાર ભારત સામે જીતવામાં સફળ રહ્યું છે. આ પહેલા બંને ટીમો પાંચ વખત આમને-સામને ટકરાય હતી. પરંતુ ક્યારેય પાકિસ્તાનની ટીમ ભારતને હરાવી શકી નહોતી. પરંતુ આજે પાકિસ્તાને જૂના રેકોર્ડને પાછળ છોડતા ભારતને પરાજય આપ્યો છે.
બાબર-રિઝવાનની વિજયી ભાગીદારી
પાકિસ્તાનને બંને ઓપનર બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પાવરપ્લેમાં વિના વિકેટે 43 રન બનાવ્યા હતા. પાવરપ્લે બાદ પણ બંને ખેલાડીઓએ સ્થિતિ પ્રમાણે બેટિંગ કરી હતી. બાબર આઝમે 52 બોલમાં 6 ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ 68 રન ફટકાર્યા હતા. મોહમ્મદ રિઝવાને 55 બોલમાં 6 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે અણનમ 79 રન ફટકાર્યા હતા. બંનેએ રેકોર્ડ ભાગીદારી કરી હતી. બંને ઓપનરોએ 152 રનની ભાગીદારી કરી હતી.
ફરી લેફ્ટ આર્મ પેસર સામે ભારતના ઓપનરો ફેલ
ભારતની ઓપનિંગ જોડી ફરી લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર સામે ફ્લોપ રહી હતી. આ ભારતની જૂની સમસ્યા છે. શાહીન શાહ આફ્રિદીએ પ્રથમ ઓવરમાં રોહિત શર્માને શૂન્ય રને આઉટ કરીને પાકિસ્તાનને મજબૂત શરૂઆત અપાવી હતી. ત્યારબાદ ત્રીજી ઓવરમાં આફ્રિદીએ કેએલ રાહુલ (3)ને આઉટ કરીને ભારતને બીજો ઝટકો આપ્યો હતો. સૂર્યકુમાર યાદવ પણ 11 રન બનાવી હસન અલીનો શિકાર બન્યો હતો. ભારતે પાવરપ્લેમાં 3 વિકેટે 36 રન બનાવ્યા હતા.
વિરાટ પંતે સંભાળી ઈનિંગ
31 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ વિરાટ કોહલી અને રિષભ પંતે ચોથી વિકેટ માટે 53 રનની ભાગીદારી કરી હતી. રિષભ પંત 30 બોલમાં બે ફોર અને બે સિક્સ સાથે 39 રન બનાવી શાદાબ ખાનની ઓવરમાં આઉટ થયો હતો.
પાકિસ્તાન સામે ટી20 વિશ્વકપમાં પ્રથમવાર આઉટ થયો કોહલી
પાકિસ્તાન સામે અત્યાર સુધી ટી20 વિશ્વકપમાં વિરાટ કોહલીએ ત્રણ ઈનિંગ રમી હતી. આ ત્રણેય ઈનિંગમાં કોહલી અણનમ રહ્યો હતો. આજે વિરાટ કોહલીએ 49 બોલમાં 5 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 57 રન બનાવ્યા હતા. કોહલી શાહીન આફ્રિદીનો શિકાર બન્યો હતો. આમ કોહલી ટી20 વિશ્વકપમાં પાકિસ્તાન સામે પ્રથમવાર આઉટ થયો હતો.
રવિન્દ્ર જાડેજા 13 રન બનાવી હસન અલીની ઓવરમાં આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ 8 બોલમાં 11 રન બનાવ્યા હતા. તે હારિસ રાઉફનો શિકાર બન્યો હતો. ભુવનેશ્વર કુમાર 5 રન બનાવી અણનમ રહ્યો હતો.
પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ 4 ઓવરમાં 31 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. હસન અલીને બે સફળતા મળી હતી. આ સિવાય શાદાબ ખાન અને હારિસ રાઉફે પણ એક-એક વિકેટ ઝડપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube