નવી દિલ્હીઃ વિશ્વ કપ 2019મા પાકિસ્તાનની સફર સમાપ્ત થઈ ગઈ છે. સેમિફાઇનલમાં આ ટીમે બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ બેટિંગ કરતા 350 રન બનાવવાના હતા, પરંતુ પાકિસ્તાનની ટીમ આમ કરવામાં નિષ્ફળ રહી હતી. તેણે બાંગ્લાદેશ સામે 50 ઓવરમાં 9 વિકેટે 315 રન બનાવ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાને સેમિફાઇનલમાં પહોંચવા માટે બાંગ્લાદેશને માત્ર 7 રનની અંદર ઓલઆઉટ કરવાનું હતું. પરંતુ બાંગ્લાદેશની ટીમે 1.4 ઓવરમાં 7 રન બનાવી લેતા પાકિસ્તાનની ટીમ વિશ્વકપમાંથી બહાર થઈ ગઈ છે. પાકિસ્તાન બહાર થતાં ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશ્વકપમાં પાકિસ્તાનની સફર
આ વિશ્વકપમાં પાકિસ્તાનની સફર ખાસ રહી નથી. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં પાકિસ્તાને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 7 વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાને વાપસી કરતા યજમાન ઈંગ્લેન્ડને 14 રને પરાજય આપ્યો હતો. તેની ત્રીજી મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી. ચોથી લીગ મેચમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે 41 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ભારતે તેને 89 રને પરાજય આપ્યો હતો. છઠ્ઠી મેચમાં પાકિસ્તાને આફ્રિકાને 49 રને પરાજય આપ્યો હતો. સાતમી મેચમાં પાકિસ્તાનને ફરી જીત મળી અને તેણે ન્યૂઝીલેન્ડને 6 વિકેટે પરાજય આપ્યો હતો. તો આઠમી મેચમાં અફઘાનિસ્તાનને 3 વિકેટથી હાર આપી હતી. 


પાકિસ્તાનની ઈનિંગ
પાકિસ્તાને બાંગ્લાદેશ વિરુદ્ધ 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 315 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી ઇમામ ઉલ હકે સદી ફટકારી હતી. બાબર આઝમે 96 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય ઇમાદ વસીમ 43 અને હફીઝે 27 રન બનાવ્યા હતા.