જોહનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ગયેલી પાકિસ્તાની ટીમના ટેસ્ટ સિરીઝમાં સૂપડા સાફ થઈ ગયા છે. યજમાન આફ્રિકાએ તેને ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં 107 રનથી પરાજય આપ્યો હતો. આ સાથે તેણે સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કરી છે. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટ મેચ 6 વિકેટથી અને બીજી ટેસ્ટ નવ વિકેટથી જીતી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આફ્રિકાએ ત્રીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 262 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેણે પાકિસ્તાનને 185 રન પર આઉટ કરીને 77 રનની લીડ મેળવી હતી. ત્યારબાદ યજમાન ટીમે બીજી ઈનિંગમાં 303 રન બનાવ્યા હતા. આ રીતે પાકિસ્તાનને જીત માટે 381 રનનો લક્ષ્ય મળ્યો હતો, જેના જવાબમાં પાકિસ્તાન 273 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું. 


પાકિસ્તાનની ટીમ લક્ષ્યનો પીછો કરતા એક સમયે ત્રણ વિકેટ પર 153 રન બનાવી મજબૂત સ્થિતિમાં હતી, પરંતુ ત્યારબાદ તેણે 120 રનના ગાળામાં બાકીની સાત વિકેટ ગુમાવી દીધી હતી. પાકિસ્તાન માટે અસદ શફીકે સર્વાધિક 65 રન બનાવ્યા હતા. શાદાબ ખાને અણનમ 47, શાન મસૂદે 37, ઇમામ ઉલ હકે 35, હસન અલીએ 22, બાબર આઝમે 21, અઝહર અલીએ 15, ફહીમ અશરફે 15, આમીરે ચાર અને મોહમ્મદ અબ્બાસે નવ રન બનાવ્યા હતા. કેપ્ટન શરફરાઝ અહમદ ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. 


આફ્રિકા માટે રબાડાએ ત્રણ, ડુઆને ઓલિવરે ત્રણ, સ્ટેને બે અને ફિલાન્ડરે એક વિકેટ ઝડપી હતી. મેચમાં સદી ફટકારનાર આફ્રિકાના વિકેટકીપર ડી કોકને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. 


ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યા બાદ આફ્રિકાની ટીમ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડને પછાડીને બીજા સ્થાને પહોંચી ગઈ છે. આ જીતથી આફ્રિકાને ચાર પોઈન્ટ મળ્યા અને તેના 110 પોઈન્ટ થઈ ગયા છે. પાકિસ્તાને 92 પોઈન્ટની સાથે સિરીઝની શરૂઆત કરી હતી પરંતુ હવે તેના 88 પોઈન્ટ રહી ગયા છે અને તે શ્રીલંકાથી ત્રણ પોઈન્ટ પાછળ પહોંચી ગયું છે.