લંડનઃ પાકિસ્તાને આઈસીસી વિશ્વ કપ-2019ની અંતિમ લીગ મેચમાં બાંગ્લાદેશને 94 રને પરાજય આપીને વિજય સાથે વિશ્વકપમાંથી વિદાય લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં 9 વિકેટે 315 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 44.1 ઓવરમાં 221 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. શાહીન આફ્રિદીએ 9.1 ઓવરમાં 35 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. શાકિબે બાંગ્લાદેશ તરફથી અડધી સદી ફટકારી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાંગ્લાદેશના બંન્ને ઓપનર ફેલ
પાકિસ્તાને આપેલા મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. સૌમ્ય સરકાર 22 રન બનાવી મોહમ્મદ આમિરનો શિકાર બન્યો હતો. તમીમ ઇકબાલને શાહીન આફ્રિદીએ 8 રને બોલ્ડ કરીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. મુશ્ફિકુર રહીમ 16 રન બનાવી રિયાઝનો શિકાર બન્યો હતો. શાકિબ અલ હસને 64 રનનું યોગદાન આપ્યું હતું. લિટન દાસ 32 રન પર શાહીન આફ્રિદીની ઓવરમાં આઉટ થયો હતો. મોસાદ્દેક હુસૈને 16, મહમૂદુલ્લાહે 29 અને સૈફુદ્દીન શૂન્ય રન બનાવી આઉટ થયા હતા. 


શાકિબે વિશ્વકપમાં ફટકાર્યા 600 રન
શાકિબ આ વિશ્વકપમાં 600 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તે આ વિશ્વકપમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પણ પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. શાકિબે આ વિશ્વકપમાં 8 ઈનિગંમાં કુલ 606 રન બનાવ્યા છે. સૌથી વધુ રન મામલે તેણે રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. રોહિત શર્માએ 7 ઈનિંગમાં 544 રન બનાવ્યા છે. શાકિબે સતત 7મી ઈનિંગમાં 50+નો સ્કોર કર્યો છે. તેમાં બે સદી અને 5 અડધી સદી સામેલ છે. 


શાહીન આફ્રિદીની 6 વિકેટ
પાકિસ્તાનના યુવા ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ 9.1 ઓવરમાં 35 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આ પાકિસ્તાનની બોલર દ્વારા વિશ્વકપમાં કરવામાં આવેલું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. 


પાકિસ્તાનની ખરાબ શરૂઆત
ફખર જમાન માટે આ વિશ્વકપ ખરાબ રહ્યો છે. બાંગ્લાદેશ સામેની મેચમાં પણ તે માત્ર 13 રન બનાવી સૈફુદ્દીનનો શિકાર બન્યો હતો. આ માટે તેણે 31 બોલનો સામનો કર્યો હતો. પાકિસ્તાને 23 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી.


ઇમામ ઉલ હકની સદી, બાબર સદી ચુક્યો
પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ બાબર આઝમ અને ઇમામ ઉલ હકે બીજી વિકેટ માટે 157 રનની ભાગીદારી કરી હતી. બાબર આઝમ (96) ચાર રન માટે વિશ્વકપમાં પોતાની બીજી સદી ચુકી ગયો હતો. તેણે 98 બોલનો સામનો કરતા 11 ચોગ્ગા ફટકાર્યા હતા. સૈફુદ્દીને બાબરને LBW આઉટ કર્યો હતો. તો ઇમામ ઉલ હકે વિશ્વકપમાં પોતાની પ્રથમ સદી પૂરી કરી હતી. તે 100 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 100 રન બનાવી હિટ વિકેટ આઉટ થયો હતો. પાકિસ્તાને 246 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. 


મોહમ્મદ હફીઝ (27)ને મેહદી હસને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. હારિસ સોહેલ 6 રન બનાવી મુસ્તફિઝુરનો શિકાર બન્યો હતો. વહાબ રિયાઝ 2 રન બનાવી સૈફુદ્દીનની ઓવરમાં બોલ્ડ થયો હતો. શાદાબ ખાન 1ને મુસ્તફિઝુરે કોટ એન્ડ બોલ્ડ આઉટ કર્યો હતો. સરફરાઝ અહમદ 3 રન બનાવી અણનમ રહ્યો હતો. ઇમાદ વસીમ 26 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 43 રન બનાવી મુસ્તફિઝુરનો શિકાર બન્યો હતો.