પાકિસ્તાની ક્રિકેટર હસન અલી 20 ઓગસ્ટે આ ભારતીય યુવતી સાથે કરશે લગ્ન
પંજાબ પ્રાંતમાં રહેનાર હસન અલીએ પાકિસ્તાન માટે 9 ટેસ્ટ, 53 વનડે અને 30 ટી20 મેચ રમી છે.
પાણીપતઃ પાકિસ્તાનનો ફાસ્ટ બોલર હસન અલી ભારતીય યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. તે હરિયાણાના નૂંહ જિલ્લાની રહેવાસી શામિયા આરજૂ સાથે લગ્ન કરશે. આ પહેલા હૈદરાબાદની ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ શોએબ મલિક સાથે 2010મા લગ્ન કર્યાં હતા. શામિયા અમીરાતમાં ફ્લાઇટ એન્જિનિયરની નોકરી કરી રહી છે. 20 ઓગસ્ટે બંન્નેના લગ્ન દુબઈમાં થશે. પરિવારના 10 સભ્યો 17 તારીખે લગ્ન માટે દુબઈ રવાના થશે.
શામિયાના પિતા નિવૃત બીડીપીઓ લિયાકત અલીએ જણાવ્યું, 'શામિયાએ બીટેક (એરોનેટિકલ)ની ડિગ્રી લીધી છે. તેણે પ્રથમ નોકરી જેટ એરવેઝમાં કરી હતી, હવે છેલ્લા ત્રણ વર્ષથી તે એર અમીરાત ફ્લાઇટમાં એન્જિનિયરના પદ પર કાર્યરત છે.'
પાકિસ્તાનના પૂર્વ સાંસદ તુફૈલ અને મારા દાદા ભાઈ હતાઃ શામિયાના પિતા
લિયાકત અલીએ જણાવ્યું, 'હિન્દુસ્તાન-પાકિસ્તાનના ભાગલા સમયે પાકિસ્તાનના પૂર્વ સાંસદ તથા પાકિસ્તાન રેલવે બોર્ડના ચેરમેન રહેલા સરદાર તુફૈલ ઉર્ફ ખાન બહાદૂર અને મારા દાદા સગા ભાઈ હતા. તેનો પરિવાર હાલમાં પાકિસ્તાનના કસૂર જિલ્લાના કચ્ચી કોઠી નઈયાકીમાં રહે છે. તેના માધ્યમથી શામિયાનો સંબંધ નક્કી થયો છે.'
વિરાટ કોહલીએ અમેરિકા જતાં પહેલા શેયર કર્યો ટીમ ઇન્ડિયાનો ફોટો, રોહિત શર્માએ આપ્યો જવાબ...
હસને ચેમ્પિયન્સ ટ્રોફીએ ફાઇનલમાં ભારત વિરુદ્ધ 3 વિકેટ ઝડપી હતી
પંજાબ પ્રાંતમાં રહેનાર હસન અલીએ પાકિસ્તાન માટે 9 ટેસ્ટ, 53 વનડે અને 30 ટી20 મેચ રમી છે. આ દરમિયાન તેણે ટેસ્ટમાં 31, વનડેમાં 82 અને ટી20મા 32 વિકેટ ઝડપી છે. 2017મા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં હસને ભારત વિરુદ્ધ 6.3 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયા તે મુકાબલો હારી ગઈ હતી.