હસન અલી-આરઝૂ પહેલા આ પાકિસ્તાની ક્રિકેટરોએ પણ કર્યાં છે ભારતીય યુવતી સાથે લગ્ન
પાકિસ્તાનનો ફાસ્ટ બોલર હસન અલી આગામી 20 ઓગસ્ટના રોજ દુબઈમાં ભારતીય યુવતી શામિયા આરઝૂ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ બોલીવુડ ફિલ્મ રેફ્યૂઝીનું એક પ્રખ્યાત ગીત છે 'પંછી નદિયા પવન કે ઝોકે, કોઈ સરહદ ના ઇન્હેં રોકે....' આ સિવાય હજુ એક વસ્તુ છે, જેને માણસ ઈચ્છીને પણ નથી રોકી શકતો. અમે વાત કરી રહ્યાં છીએ સંબંધોની, જે ઘણીવાર બનાવવામાં આવતા નથી પણ બની જતા હોય છે. આ કારણ છે કે સાત સમુદ્ર પાર પણ લોકો સંબંધ બનાવીને એકબીજાની સાથે રહેવા આવી જાય છે અને ચાલ્યા જાય છે.
આ વખતે મામલો કંઇક ખાસ છે કારણ કે પાકિસ્તાનનો વધુ એક ક્રિકેટર ભારતની યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. અમે વાત કરી રહ્યાં છીએ પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીની જે 20 ઓગસ્ટે ભારતની પુત્રી શામિયા આરઝૂની સાથે દુબઈમાં નિકાહ કરવાનો છે. હસન અલી પહેલા પણ ઘણા પાકિસ્તાની ક્રિકેટર એવા છે, જેણે ભારતની યુવતી સાથે લગ્ન કર્યાં છે. આવો જોઈએ ક્યા-ક્યા ખેલાડીએ ભારતની યુવતી સાથે લગ્ન કર્યાં છે.
શોએબ મલિક અને સાનિયા મિર્ઝા
વર્તમાનમાં પાકિસ્તાન ટીમના ક્રિકેટર અને ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ લગ્ન કર્યાં હતા. બંન્નેએ 2010માં એક થવાનો નિર્ણય કર્યો હતો.
શોએબ મલિક પાકિસ્તાન ટીમનો ઓલરાઉન્ડર ક્રિકેટર છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર શોએબ મલિક 1999થી અત્યાર સુધી રમી રહ્યો છે. આ દરમિયાન તેણે 35 ટેસ્ટ મેચોમાં 1898 રન બનાવ્યા જેમાં ત્રણ સદી સામેલ છે. જ્યારે વનડે ક્રિકેટમાં તેણે 271 મેચોમાં 7266 રન બનાવ્યા, જેમાં 9 સદી સામેલ છે. બેટિંગ સિવાય બોલિંગમાં પણ મલિકે પાકિસ્તાન ટીમને મદદ કરી છે. 35 ટેસ્ટ અને 271 વનડેમાં મલિકે ક્રમશઃ 32 અને 156 વિકેટ ઝડપી છે.
સાનિયા મિર્ઝાનો જન્મ ભારતના હૈદરાબાદમાં થયો હતો. સાનિયા મિર્ઝાએ ટેનિસમાં ઘણા મોટા ટાઇટલ પોતાના નામે કર્યાં છે. તે ગ્રાન્ડસ્લેમ ટાઇટલ પણ જીતી ચુકી છે.
ઝહીર અબ્બાસ અને રીતા લૂથરા
પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઝહીર અબ્બાસે ભારતીય મૂળની મહિલા રીતા લૂથરા સાથે લગ્ન કર્યા હતા. બંન્ને વચ્ચે લગ્ન 1988માં થયા ત્યારબાદ રીતા લૂથરાએ પોતાનું નામ બદલીને સમીના અબ્બાસ કરી લીધું હતું. જમણેરી બેટ્સમેન હતો. અબ્બાસે 78 ટેસ્ટ મેચમાં 12 સદી સહિત 5062 રન બનાવ્યા જ્યારે 62 વનડે મેચમાં સાત સદી સદિત 2572 રન બનાવ્યા હતા. ઝહીર અબ્બાસનો ટેસ્ટ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર 274 રન છે, જ્યારે વનડે ક્રિકેટમાં તેનો સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર 153 રન છે. ઝહીર અબ્બાસને એશિયાના ડોન બ્રેડમેન કહેવામાં આવે છે.
ઝહીર અબ્બાસ અને રીતા લૂથરાની પ્રથમ મુકાલાત ઈંગ્લેન્ડમાં થઈ હતી. ત્યારબાદ બંન્ને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. વર્તમાનમાં બંન્ને પાકિસ્તાનમાં રહે છે.
મોહનિસ ખાન અને રીના રોય
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મોહનિસ ખાન અને રીના રોય વચ્ચે લગ્ન સંબંધ રહી ચુક્યો છે. મોહનિસ ખાન અને રીના રોયે 1983માં લગ્ન કર્યા હતા.
મોહનિસ ખાન પાકિસ્તાન ક્રિકેટ ટીમનો બેટ્સમેન હતો. જેણે 1977થી 1986 સુધી પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે મેચ રમી હતી. આ દરમિયાન મોહસિન ખાને 48 ટેસ્ટ મેચોમાં 7 સદી સહિત 2709 રન બનાવ્યા હતા. ટેસ્ટ મેચમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 200 રન રહ્યો હતો. વનડે ક્રિકેટમાં 75 મેચ રમીને મોહસિન ખાને 1877 રન બનાવ્યા, જેમાં 6 સદી સામેલ છે.
રીના રોય ભારતીય સિનેમા જગતની જાણીતી અભિનેત્રી છે, જેને અપનાપન, નાગિન અને આશા મૂવીમાં કામ કર્યું છે. લગ્નના થોડા સમય બાદ બંન્નેએ છૂટાછેડા લઈ લીધા હતા.
હસન અલી અને શામિયા આરઝૂ
પાકિસ્તાનનો ફાસ્ટ બોલર હસન અલી ભારતીય યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. તે હરિયાણાના નૂંહ જિલ્લાની રહેવાસી શામિયા આરઝૂ સાથે લગ્ન કરશે. આ પહેલા હૈદરાબાદની ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ શોએબ મલિક સાથે 2010મા લગ્ન કર્યાં હતા. શામિયા અમીરાતમાં ફ્લાઇટ એન્જિનિયરની નોકરી કરી રહી છે. 20 ઓગસ્ટે બંન્નેના લગ્ન દુબઈમાં થશે. પરિવારના 10 સભ્યો 17 તારીખે લગ્ન માટે દુબઈ રવાના થશે.