PAKvsSA: ઇમામ ઉલ હકની સદી પાણીમાં, ત્રીજી વનડેમાં આફ્રિકાનો વિજય
પાકિસ્તાને ઓપનર ઇમામ ઉલ હકની સદીની મદદથી 50 ઓવરમાં 317 રન બનાવ્યા હતા. પરંતુ આફ્રિકાએ ડકવર્થ લુઇસના નિયમ પ્રમાણે મેચ 13 રને જીતી લીધી હતી.
સેન્ચુરિયનઃ પાકિસ્તાનના ઇમામ ઉલ હકની સદી છતાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાયેલી ત્રીજી વનડે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાને શુક્રવાર (25 જાન્યુઆરી)એ ઇમામના 101 રનની મદદથી 6 વિકેટે 317 રન ફટકાર્યા હતા. પરંતુ મેચમાં વરસાદનું વિઘ્ન નડ્યું હતું. જ્યારે વરસાદ આવ્યો ત્યારે આફ્રિકાએ બે વિકેટ પર 187 રન બનાવી લીધા હતા. ત્યારબાદ મેચ શરૂ ન થઈ શકી અને યજમાન ટીમે ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે 13 રનથી જીત મેળવી હતી.
દક્ષિણ આફ્રિકાએ આ જીતની સાથે પાંચ મેચોની સિરીઝમાં 2-1થી લીડ મેળવી લીધી છે. તેણે શ્રેણીની બીજી અને ત્રીજી મેચ જીતી છે. પ્રથમ મેચમાં પાકિસ્તાને 5 વિકેટે વિજય મેળવ્યો હતો. શ્રેણીની ચોથી વનડે રવિવારે રમાશે. બંન્ને ટીમ વનડે સિરીઝ બાદ ટી20 શ્રેણી રમશે.
સેન્ચુરિયનમાં રમાયેલી મેચમાં ઇમામ ઉલ હકે 19મી વનડે મેચમાં પાંચમી સદી ફટકારીને ટિક્કાકારોને આકરો જવાબ આપ્યો હતો. તેણે ઈનિંગની શરૂઆત કરતા 116 બોલમાં આઠ બાઉન્ડ્રી ફટકારી હતી. બાબર આઝમ (69) અને મોહમ્મદ હફીઝ (52)એ પણ અડધી સદી ફટકારી હતી. બંન્નેએ ત્રીજી વિકેટ માટે 108 રન જોડ્યા હતા. આફ્રિકા તરફથી ડેલ સ્ટેન 43 જ્યારે રબાડાએ 57 રન આપીને બે-બે વિકેટ ઝડપી હતી.
આઈપીએલ 2019 પહેલા યુવરાજ સિંહનો જલવો, બનાવ્યા 57 બોલ પર 80 રન
દક્ષિણ આફ્રિકાને ઓપનરોએ સારી શરૂઆત અપાવી હતી. તેના ઓપનર ક્વિન્ટન ડિ કોકે 33 અને હાશિમ અમલાએ 25 રન બનાવ્યા હતા. આફ્રિકાની ઈનિંગ દરમિયાન બે વાર વરસાદ આવ્યો હતો. જ્યારે બીજીવાર વરસાદ આવ્યો ત્યારે આફ્રિકાએ 33 ઓવરમાં બે વિકેટે 187 રન બનાવી લીધા હતા. ડલવર્થ લુઈસ નિયમ પ્રમાણે 33 ઓવર બાદ આફ્રિકાને જીત માટે 175 રનની જરૂર હતી. જેથી આફ્રિકાને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. રેઝા હેનડ્રિક્સે અણનમ 83 જ્યારે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે અણનમ 40 રન બનાવ્યા હતા.