Paris Olympics 2024: નીરજ ચોપડા ફાઈનલમાં, વિનેશ ફોગાટે ડિફેન્ડિંગ ચેમ્પિયનને હરાવી કર્યો કમાલ
પેરિસ ઓલિમ્પિકમાં આજે વિવિધ ભારતીય એથલીટો પોતાની ઈવેન્ટમાં જોવા મળ્યા હતા. ભારત માટે સારા સમાચાર આવ્યા કે નીરજ ચોપડા ફાઈનલમાં પહોંચી ગયો છે. જ્યારે વિનેશ ફોગાટ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી છે.
પેરિસઃ પેરિસ ઓલિમ્પિકમાંથી ભારત માટે સારા સમાચાર આવ્યા છે. ભારતનો સ્ટાર એથલીટ નીરજ ચોપડા જેવલીન થ્રોની ફાઈનલમાં પહોંચી ગયો છે. નીરજ ચોપડાએ પોતાના પ્રથમ પ્રયાસમાં 89.34 મીટરનો થ્રો કરી ફાઈનલમાં સીધી એન્ટ્રી કરી લીધી છે. બીજીતરફ ભારતની મહિલા રેસલર વિનેશ ફોગાટે પણ કમાલ કર્યો છે. વિનેશ ફોગાટે ડિફેન્ડિંગ ચેમ્પિયનને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી છે.
નીરજ ચોપડા પહોંચ્યો ફાઈનલમાં
ભાલા ફેંકમાં ટોક્યોમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાએ પેરિસ ઓલિમ્પિકની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. નીરજ ચોપડાએ પોતાના પ્રથમ થ્રોમાં 89.34 મીટરનું અંતર હાસિલ કર્યું હતું. પેરિસ ઓલિમ્પિકમાં જેવલીન થ્રો ઈવેન્ટના ક્વોલીફિકેશન રાઉન્ડમાં ફાઈનલમાં પહોંચવાનો માર્ક 84 મીટર હતો. નીરજ ચોપડાએ પ્રથમ થ્રોમાં જ કમાલ કર્યો અને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. બીજીતરફ કિશોર જેના ફાઈનલ માટે સીધો ક્વોલીફાઈ થઈ શક્યો નથી. જેનાનો સર્વશ્રેષ્ઠ થ્રો 80.73 મીટર રહ્યો હતો. નીરજ ચોપડાની ફાઈનલ 8 ઓગસ્ટે રમાશે.
વિનેશ ફોગાટે કર્યો કમાલ
રેસલિંગમાં બે વખતની ઓલિમ્પિયન વિનેશ ફોગાટે પોતાના અભિયાનની ધમાકેદાર શરૂઆત કરી છે. તેણે મહિલાઓની 50 કિલોગ્રામ ઈવેન્ટના પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં જાપાનની ડિફેન્ડિંગ ચેમ્પિયન સુસાઈ યુઈને હરાવી છે. વિનેશે સુસાઈને હરાવી મોટો અપસેટ સર્જી દીધો છે. વિનેશ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. એક સમયે જાપાનની ખેલાડી બે પોઈન્ટથી આગળ હતી, પરંતુ અંતિમ સમયમાં વિનેશ ફોગાટે કમાલની વાપસી કરી બાઉટ જીતી લીધી હતી.