Summer Olympic Games 2024: ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત આ વર્ષે 26 જુલાઈએ થશે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં આ વખતે આ ગેમ્સનું આયોજન થવાનું છે. લગભગ એક મહિના બાદ થનાર દુનિયાની સૌથી મોટી સ્પોર્ટર્સ ઈવેન્ટને લઈને એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ઓલિમ્પિક દરમિયાન એથ્લેટ્સનું સ્વાસ્થ્ય જોખમમાં પડી શકે છે, કારણ કે તે સમયે ફ્રાન્સની રાજધાનીમાં સખત ગરમી પડી શકે છે. જી હા... પેરિસ ગેમ્સ દરમિયાન તાપમાન સરેરાશ કરતા 3 ડિગ્રી સેલ્સિયસ વધુ હોઈ શકે છે, જે એથ્લેટ્સના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેરિસમાં ટૂટશે ગરમીનો રેકોર્ડ
જુલાઈ અને ઓગસ્ટમાં ઓલિમ્પિક ગેમ્સ અને પેરાલિમ્પિક ગેમ્સ દરમિયાન યુરોપિયન ગરમી તેની ચરણ સીમાએ હશે. 2020 ટોક્યો ઓલિમ્પિક્સ (COVID-19 રોગચાળાને કારણે 2021માં યોજાયો હતો) ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી ગરમ રમત હતી. હવે લાગે છે કે પેરિસમાં તેનો રેકોર્ડ તૂટી જશે. સીબીસીના અહેવાલ મુજબ, પેરિસ તે રેકોર્ડ તોડી શકે છે કારણ કે યુરોપમાં જુલાઈ અને ઓગસ્ટમાં સ્થિતિ વધુ ગરમ હશે.


હીટવેવમાં થયો વધારો
તાજેતરમાં પેરિસમાં ગરમીની તીવ્રતામાં વધારો થઈ રહ્યો છે. ગામડાઓની તુલનામાં શહેરોમાં વધારે ગરમી રહેશે. 2019માં પેરિસમાં વધુ ગરમી પડી હતી. તે સમયે તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. તાજેતરના વર્ષોમાં હીટવેવ્સમાં વધારો થયો છે, જેના કારણે રમતવીરોએ ઓલિમ્પિક્સમાં ભાગ લેવા વિશે પુનઃવિચાર કરવો પડ્યો છે. જો કે, હીટવેવને કારણે રમતવીરો પીછેહઠ કરવાના કોઈ ચોક્કસ કેસ સામે આવ્યા નથી. તેમ છતાં અધિકારીઓ આ હકીકતને લઈને થોડો તણાવ અનુભવી શકે છે કે ઓલિમ્પિક માટે મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય ચાહકો પેરિસમાં હાજર રહેશે.


ટોક્યોમાં રમતવીરોને થઈ હતી ઉલટી!
રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે 2023માં ફ્રાન્સમાં ભારે ગરમીને કારણે 5000થી વધુ લોકોના મોત નોંધાયા હતા. જો આ વર્ષે પણ આ જ ટ્રેન્ડ ચાલુ રહેશે તો ચાહકો પેરિસ ઓલિમ્પિક તરફ પીઠ ફેરવી શકે છે. ટોક્યો ઓલિમ્પિકમાં રમતવીરોને ઉલટી થઈ અને ફિનિશ લાઈનમાં બેહોશ પણ થયા હતા. લગભગ દર 100માંથી એક એથ્લેટ ગરમી સંબંધિત બીમારીથી પીડાતો હતો. આવી સ્થિતિમાં અધિકારીઓ પેરિસ ઓલિમ્પિકમાં ખેલાડીઓના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપશે.