મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2022માં ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. આજે પંજાબ કિંગ્સ સામે રમાયેલી આઈપીએલની 11મી મેચમાં ચેન્નઈએ 54 રનના મોટા અંતરે હારનો સામનો કરવો પડ્યો છે. ચેન્નઈનો આ સીઝનમાં સતત ત્રીજો પરાજય છે અને ટીમ હજુ પોઈન્ટ ટેબલમાં ખાતુ ખોલાવી શકી નથી. ટોસ જીતીને ચેન્નઈએ પંજાબને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પંજાબે 20 ઓવરમાં 8 વિકેટે 180 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નઈની ટીમ 18 ઓવરમાં 126 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. પંજાબની ત્રીજી મેચમાં આ બીજી જીત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાવરપ્લેમાં ચેન્નઈ સુપર કિંગ્સને ધબડકો
પંજાબે આપેલા 181 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈનો પાવરપ્લેમાં જ ધબડકો થયો હતો. ટીમને 10 રનના સ્કોર પર રુતુરાજ ગાયકવાડ (1) ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. ગાયકવાડ સતત ત્રીજી મેચમાં ફ્લોપ રહ્યો હતો. ત્યારબાદ રોબિન ઉથપ્પા (13) ને વૈભર અરોરાએ પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. મોઈન અલી શૂન્ય રન બનાવી અરોરાની ઓવરમાં બોલ્ડ થયો હતો. કેપ્ટન જાડેજા પણ ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો હતો. ચેન્નઈએ પાવરપ્લેમાં 27 રનમાં ચાર વિકેટ ગુમાવી હતી. 


શિવમ દુબેની અડધી સદી
અંબાતી રાયડૂ 13 રન બનાવી ઓડીયન સ્મિથનો શિકાર બન્યો હતો. ત્યારબાદ શિવમ દુબે અને ધોનીએ ટીમને સંભાળી હતી. દુબેએ સતત બીજી મેચમાં દમદાર પ્રદર્શન કર્યુ છે. દુબેએ 30 બોલમાં 6 ફોર અને 3 સિક્સની સાથે 57 રન બનાવ્યા હતા. એમએસ ધોની 23 રન બનાવી આઉટ થયો હતો. ડ્વેન બ્રાવો (0) રને લિવિંગસ્ટોનનો શિકાર બન્યો હતો. ક્રિસ જોર્ડન અને પ્રિટોરિયસને રાહુલ ચહરે પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. પંજાબ તરફથી રાહુલ ચહરે 25 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય વૈભવ અરોરા અને લિયામ લિવિંગસ્ટોનને બે-બે તથા રબાડા, અર્શદીપ અને ઓડીયન સ્મિથને એક-એક સફળતા મળી છે. 


આ પણ વાંચોઃ CWC 2022: ચેમ્પિયન બનવા પર ઓસ્ટ્રેલિયા પર રૂપિયાનો વરસાદ, ભારતીય ટીમને મળી આટલી રકમ


પંજાબ કિંગ્સની ખરાબ શરૂઆત
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ ઓવરના બીજા બોલ પર કેપ્ટન મયંક અગ્રવાલ 4 રન બનાવી મુકેશ ચૌધરીનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ટીમનો સ્કોર 14 રન હતો ત્યારે ભાનુકા રાજપક્ષા 9 રન બનાવી રનઆઉટ થયો હતો. 14 રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ શિખર ધવન અને લિયામ લિવિંગસ્ટોને ઈનિંગ સંભાળી હતી. 


ધવન અને લિવિંગસ્ટોન વચ્ચે 95 રનની ભાગીદારી
પ્રથમ બે ઓવરમાં બે વિકેટ ગુમાવ્યા બાદ લિવિંગસ્ટોન અને ધવને ઈનિંગને સંભાળી હતી. લિવિંગસ્ટોને આક્રમક બેટિંગ કરી હતી. પાવરપ્લેમાં પંજાબે 72 રન બનાવ્યા હતા. બંનેએ 10 ઓવરમાં ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડી દીધો હતો. શિખર ધવન 24 બોલમાં 4 ફોર અને એક સિક્સ સાથે 33 રન બનાવી બ્રાવોનો શિકાર બન્યો હતો. તો લિવિંગસ્ટોને 32 બોલમાં 5 ફોર અને 5 સિક્સ સાથે 60 રન બનાવ્યા હતા. તે જાડેજાનો શિકાર બન્યો હતો. 


અંતિમ ઓવરોમાં ચેન્નઈએ કરી વાપસી
એક સમયે પંજાબનો સ્કોર 200ને પાર જશે તેમ લાગી રહ્યું હતું. પરંતુ ચેન્નઈએ ગેમમાં વાપસી કરી હતી. જિતેશ શર્મા 17 બોલમાં 3 સિક્સ સાથે 26 રન બનાવી આઉટ થયો હતો. શાહરૂખ ખાન માત્ર 6 રન બનાવી અને ઓડીયન સ્મિથ 3 રન બનાવી આઉટ થયા હતા. આ બંને સફળતા ક્રિસ જોર્ડનને મળી હતી. તો રાહુલ ચહરે 12 રનનું યોગદાન આપ્યું હતું. ચેન્નઈ તરફતી જોર્ડન અને પ્રિટોરિયસે બે-બે અને મુકેશ ચૌધરી, જાડેજા અને બ્રાવોએ એક-એક વિકેટ ઝડપી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube