ICC વિશ્વ કપ બાદ પાકિસ્તાન ક્રિકેટને લાગી શકે છે બે મોટા ઝટકા
પાકના પૂર્વ કેપ્ટન આમિર સોહેલને ઇંઝમામના સ્થાન પર મુખ્ય પસંદગીકાર બનાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ઇંઝમામનો કરાર જુલાઈમાં પૂરો થઈ જશે.
કરાચીઃ આઈસીસી વિશ્વ કપ બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)માં મોટો ફેરફાર જોવા મળશે. પીસીબીએ વિશ્વ કપ બાદ મુખ્ય પસંદગીકાર ઇંઝમામ ઉલ હક અને કોચ મિકી આર્થરનો કરાર રિન્યૂ ન કરવાનો નિર્ણય લીધો છે.
પીસીબી પૂર્વ કેપ્ટન આમિર સોહેલને ઇંઝમામના સ્થાન પર મુખ્ય પસંદગીકાર બનાવવા પર વિચાર કરી રહ્યું છે. ઇંઝમામનો કરાર જુલાઈમાં પૂરો થઈ જશે. પીસીબીના વિશ્વસનીય સૂત્રોએ કહ્યું, જે લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે, તેમાં સોહેલ પ્રબળ દાવેદાર છે. પીસીબીના મેનેજિંગ ડાયરેક્ટર વસીમ ખાન મુખ્ય પસંદગીકાર અને મુખ્ય કોચની નિમણુંક વિશે નિર્ણય કરશે. સોહેલ આ પહેલા 2002થી 2004 વચ્ચે મુખ્ય પસંદગીકાર હતા.
સૂત્રોએ કહ્યું કે, હજુ તે નિર્ણય લેવામાં આવ્યો નથી કે આર્થરની જગ્યાએ કોઈ વિદેશી કે સ્થાનિક ખેલાડીને કોચ બનાવવામાં આવશે. તેમણે કહ્યું, 'બોર્ડમાં એક લોબી છે, જે ઇંઝમામને વિશ્વ કપ બાદ મુખ્ય કોચ બનાવવા વિશે વાત કરી રહી છે.' આર્થર 2016થી પાકિસ્તાની ટીમના કોચ છે. તેણે જાણવા ઈચ્છયું હતું કે શું તેનો કરાર રિન્યૂ કરવામાં આવશે. સૂત્રોએ કહ્યું, પરંતુ મિકીને કહેવામાં આવ્યું કે, તેનો નિર્ણય બાદમાં લેવામાં આવશે અને તેણે વિશ્વ કપ પર ધ્યાન આપવું જોઈએ.