IND vs AUS: અમદાવાદમાં ફેન્સને જોવા મળશે અનોખો નજારો, રોહિત કે સ્મિથની જગ્યાએ પીએમ મોદી ઉછાળશે સિક્કો?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં રમાનાર ચોથી ટેસ્ટ મેચમાં ટોસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહેશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તે ટોસ સમયે સિક્કો ઉછાળશે.
અમદાવાદઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ફેન્સની સાથે-સાથે ખેલાડીઓ માટે પણ ઐતિહાસિક બનવાની છે. કારણ કે બંને દેશના પ્રધાનમંત્રી ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે સ્ટેડિયમમાં હાજર રહેશે. તો ઘણા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચોથી ટેસ્ટ મેચમાં મેદાન પર બંને કેપ્ટનો સાથે હાજર રહેશે અને તે ખુદ ટોસનો સિક્કો ઉછાળતા જોવા મળી શકે છે. આ પહેલાં સમાચાર આવ્યા હતા કે તે મેચ દરમિયાન કોમેન્ટ્રી બોક્સનો ભાગ પણ બની શકે છે.
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીસ આ સમયે ભારતના પ્રવાસ પર છે. તેઓ 8 થી 11 માર્ચ સુધી ભારતની સત્તાવાર યાત્રાએ છે. નોંધનીય છે કે મોટેરામાં પુનર્નિર્મિત સ્ટેડિયમનું નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ પર રાખવામાં આવ્યું છે અને તે ભારતનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. ઘણા રિપોર્ટ અનુસાર પીએમ મોદી મેચ શરૂ થતાં પહેલા ટોસ દરમિયાન સિક્કો પણ ઉછાળી શકે છે. પરંતુ તેને લઈને હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આ પણ વાંચોઃ રનનો વરસાદ થશે.... પિચ જોઈને સ્ટીવ સ્મિથ ખુશખુશ થઈ ગયો, કેવી હશે અમદાવાદની પીચ?
ભારતે 2021માં આ મેદાન પર રમાયેલી બંને ટેસ્ટ મેચ જીતી હતી. શરૂઆતી બે મેચ જીતીને બોર્ડર ગાવસ્કર ટ્રોફીને ચોથીવાર રિટેન કરવામાં સફળ થયેલી ભારતીય ટીમે ત્રીજી ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ઈન્દોર ટેસ્ટ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે, જ્યારે ભારત માટે ફાઇનલમાં પહોંચવા માટે આ છેલ્લી તક હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube