ફીફા કાઉન્સિલમાં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય બની શકે છે પ્રફુલ પટેલ, 6 એપ્રિલે ચૂંટણી
એઆઈએફએફના ઉપાધ્યક્ષ સુબ્રતો દત્તાએ કહ્યું, પ્રફુલ પટેલને એએફસી અધ્યક્ષ સહિત ઘણા સભ્યોનું સમર્થન મળશે.
નવી દિલ્હીઃ ઓલ ઈન્ડિયન ફુટબોલ ફેડરેશન (એઆઈએફએફ)ના અધ્યક્ષ પ્રફુલ પટેલ ફીફા કાઉન્સિલમાં સામેલ થઈ શકે છે. ફીફા એક્ઝિક્યૂટિવ કાઉન્સિલની ચૂંટણી છ એપ્રિલ (શનિવાર)એ કુઆલાલંપુરમાં યોજાશે. પ્રફુલ પટેલને અહીં જગ્યા મળે તો તે તેમાં સામેલ થનાર પ્રથમ ભારતીય હશે. એક્ઝિક્યૂટિવ કાઉન્સિલ ફીફાની સૌથી મોટી કમિટી છે. કાઉન્સિલમાં પસંદ કરાયેલા પદાધિકારીઓનો કાર્યકાળ 2019થી 2023 સુધી હશે.
પાંચ સભ્યોને ફીફા કાઉન્સિલમાં મળે છે સ્થાન
કાઉન્સિલમાં જગ્યા મેળવવાની રેસમાં એશિયન ફુટબોલ કંફેડરેશન (એએફસી)ના ઉપાધ્યક્ષ પ્રફુલ પટેલ સિવાય ચીન, ઈરાન, જાપાન, દક્ષિણ કોરિયા, ફિલિપિન્સ, કતર અને સાઉદી અરબના પદાધિકારીઓ પણ છે. તેમાંથી પાંચ સભ્યોને ફીફા કાઉન્સિલમાં સ્થાન મળશે.
એઆઈએફએફના ઉપાધ્યક્ષ સુબ્રતો દત્તાએ કહ્યું, પ્રફુલ પટેલને એએફસી અધ્યક્ષ સહિત ઘણા સભ્યોનું સમર્થન મળશે. એઆઈએફએફના ત્રીજી વખત પ્રમુખ બનેલા પ્રફુલ પટેલનો કાર્યકાળ 2020 સુધીનો છે. 2017માં અન્ડર-17 વિશ્વકપનું આયોજન તેમના કાર્યકાળની સિદ્ધિ છે.