IND vs AUS: ઈજાગ્રસ્ત પૃથ્વી શો ટેસ્ટ પ્રવાસમાંથી આઉટ, મયંક અગ્રવાલને ટીમમાં મળ્યું સ્થાન
ટીમ ઈન્ડિયાના યુવા ટેસ્ટ ઓપનર પૃથ્વી શો અંકલની ઈજામાંથી ફીટ ન થતા તેને ટેસ્ટ સિરીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. પસંદગી સમિતિએ તેના સ્થાને કર્ણાટકના યુવા બેટ્સમેન મયંક અગ્રવાલને ટીમમાં પસંદ કર્યો છે.
નવી દિલ્હીઃ ભારતીય ટેસ્ટ ટીમના યુવા ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શોને એડીમાં ઈજા થવાને કારણે તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને પસંદગી સમિતિએ કર્ણાટકના યુવા બેટ્સમેન મયંક અગ્રવાલને ટીમમાં સ્થાન આપ્યું છે. આ પહેલા ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ આશા વ્યક્ત કરી હતી કે, પંત બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા ફીટ થઈ જશે. પરંતુ તે ફીટ ન થતા તેના સ્થાને મયંક અગ્રવાલનો સમાવેશ કરવાનો નિર્ણય પસંદગી સમિતિએ કર્યો છે. સિરીઝનો ત્રીજો ટેસ્ટ મેચ બોક્સિંગ ડે ટેસ્ટ 26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી રમાશે.
19 વર્ષનો શો ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ પહેલા સિડનીમાં રમાયેલી પ્રેક્ટિસ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. બાઉન્ડ્રી પર ફીલ્ડિંગ કરી રહેલ શો કેચ પકડવા માટે કુદયો ત્યારે તેની એડીમાં ઈજા થઈ ગઈ હતી. ભારતે ઓસ્ટ્રેલિયામાં 6 ડિસેમ્બરથી પોતાના ટેસ્ટ અભિયાનની શરૂઆત કરી હતી. અહીં એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે જીત મેળવીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. સિરીઝનો બીજો ટેસ્ટ પર્થમાં રમાઈ રહ્યો છે.