નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ ઈલેવન વિરુદ્ધ પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ઈન્ડિયા-એ ટીમે શ્રેયસ અય્યરના નેતૃત્વમાં પ્રથમ મેચ જીતી લીધો છે. ઈન્ડિયાએ પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ ઈલેવનને 125 રને હરવાવવામાં સફળ રહ્યું છે. હૈડિંગ્લે, લીડ્સમાં રમાયેલી આ મેચમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના કેપ્ટન એલેક્સ ડેવિસે ટોસ જીતીને પ્રથમ ફીલ્ડિંગનો નિર્ણય લીધો. મયંક અગ્રવાલ જલ્દી આઉટ થયા બાદ યુવા બેટ્સમેન પૃથ્વી શોએ 61 બોલમાં 71 રન ફટકાર્યા. આઈપીએલમાં પણ પૃથ્વીએ શાનદાર બેટિંગ કરી હતી. આજ કારણે તેને ઈન્ડિયા-એમાં સ્થાન મળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈના આ બેટ્સમેને 71 રનની ઈનિંગમાં 7 ફોર અને 3 સિક્સ ફટકારી હતી. મયંકના આઉટ થયા બાદ પૃથ્વી અને હનુમા વિહારીએ બીજી વિકેટ માટે 84 રન જોડીને ટીમનો સ્કોર 127 સુધી પહોંચાડ્યો. 


પૃથ્વી શો અને હનુમા આઉટ થયા બાદ કેપ્ટન અય્યર અને વિકેટકીપર ઈશાન કિશને મોરચો સંભાળ્યો. બંન્ને બેટ્સમેનોએ પાંચમી વિકેટ માટે 99 રનની ભાગીદારી કરીને મોટો સ્કોરનો પાયો નાખ્યો. નિચલા ક્રમમાં કૃણાલ પાંડ્યા 34 અને અક્ષર પટેલના આક્રમક 28 રનની મદદથી ટીમનો સ્કોર 300ને પાર થયો. ઈન્ડિયા-એ  8 વિકેટ પર 328 રન ફટકાર્યા હતા. કેપ્ટન અય્યરે 54 અને ઈશાન કિશને 50 રન બનાવ્યા હતા. આના જવાબમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ 36.5 ઓવરમાં 203 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 


મૈથ્યૂ ક્રિટચલીએ સાતમાં નંબરે બેટિંગ કરતા 40 બોલમાં સૌથી વધુ 48 રન ફટકાર્યા. દીપક ચહરે 7.5 ઓવરમાં 48 રન આપીને 3 વિકેટ ઝડપી. ઈન્ડિયાએ મંગળવારે પોતાનો બીજો પ્રેક્ટિસ મેચ રમશે. ત્યારબાદ ઈંગ્લેન્ડ લાયન્સ અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે ડર્બીમાં શુક્રવારથી ત્રિકોણીય શ્રેણી શરૂ થશે. 


ઈન્ડિયા એ ફાઇનલ પહેલા દરેક ટીમની વિરુદ્ધ બે-બે મેચ રમશે. ફાઇનલ મેચ 2 જુલાઈએ કેનિંગ્ટન લંડનમાં રમાશે.