યુવા બેટ્સમેન પૃથ્વી શોએ ટ્વીટર પર કહ્યું, `અપના ટાઇમ આયેગા`
મહત્વનું છે કે ભારતનો યુવા બેટ્સમેન ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાંથી પણ બહાર થઈ ગયો હતો.
નવી દિલ્હીઃ ભારતના યુવા બેટ્સમેન પૃથ્વી શોએ ઈચ્છા વ્યક્ત કરી કે તે જલ્દી ક્રિકેટના મેદાનમાં વાપસી કરશે. તે હાલમાં ઈજાગ્રસ્ત હોવાને કારણે ટીમ ઈન્ડિયાની બહાર છે. તેણે ટ્વીટ, ફેસબુક અને ઇંસ્ટાગ્રામમાં પોતાનો ઈરાદો જાહેર કરતા લખ્યું છે, અપના ટાઇમ આયેગા, ઈજામાંથી ફિટ થઈને.. હું વધુ રન બનાવીશ. આ શબ્દોની પ્રેરણા તેણે રણબીર સિંહની ફિલ્મ ગલી બોયમાંથી લીધી છે, જેના એક ગીતના શબ્દો છે અપના ટાઇમ આએગા..
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન આ યુવા બેટ્સમેનને પેનીમાં ઈજા થઈ હતી, આ કારણે તે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો. તેના સ્થાને મયંક અગ્રવાલને ટીમમાં સ્થાન આપાવમાં આવ્યું હતું. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2019 પહેલા સંપૂર્ણ પણે ફિટ થઈ જશે. તે આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ ટીમમાં છે અને ઝડપથી વાપસી કરવા ઈચ્છે છે.
20 વર્ષીય શો સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. તે પોતાના વિશે જાણકારી આપતો રહે છે. હાલમાં તેણે પોતાના ટેન ઇયર ચેલેન્જને પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં તેણે 2009 અને 2019ની તસ્વીર શેર કરી હતી. આ બંન્ને તસ્વીરમાં તેના હાથમાં બેટ છે. તેના ચાહકોને ઈચ્છા છે કે તે આ વર્ષે વિશ્વકપમાં જરૂર રમશે.