દુબઈઃ આઈસીસી પુરૂષ ટી20 વિશ્વકપ ફાઇનલ જીતવા પર ઓસ્ટ્રેલિયા પર રૂપિયાનો વરસાદ થયો છે. વિજેતા કાંગારૂ ટીમને 1.6 મિલિયન ડોલર એટલે કે લગભગ 12 કરોડ ભારતીય રૂપિયાનું ઈનામ મળ્યું છે. તો રનર-અપ ન્યૂઝીલેન્ડ ટીમને 6 કરોડ રૂપિયા મળ્યા છે. સેમીફાઇનલમાં હારનારી બંને ટીમ એટલે કે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનને 4-4 લાખ અમેરિકી ડોલર (3 કરોડ રૂપિયા) આપવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાઇનલમાં મિચેલ માર્શ મેન ઓફ ધ મેચ, ડેવિડ વોર્નર મેન ઓફ ધ ટૂર્નામેન્ટ
આઈસીસી ટી20 વિશ્વકપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમના વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નરને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. વોર્નરે 7 મેચમાં 3 અડધી સદી સાથે ટૂર્નામેન્ટમાં 289 રન બનાવ્યા છે. વોર્નર ટૂર્નામેન્ટનો બીજો સર્વોચ્ચ સ્કોરર રહ્યો છે. તો ફાઇનલમાં 50 બોલમાં અણનમ 77 રન ફટકારી ઓસ્ટ્રેલિયાને જીત અપાવનાર મિચેલ માર્શ મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. 


IPL કરતા ઓછી પ્રાઇઝ મની
રસપ્રદ વાત છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગની સામે ટી20 વિશ્વકપની ઇનામી રકમ ખુબ ઓછી છે. આ વર્ષે યૂએઈમાં રમાયેલ આઈપીએલ ટૂર્નામેન્ટની વિજેતા ટીમ ચેન્નઈ સુપર કિંગ્સને 20 કરોડની પ્રાઇઝ મની આપવામાં આવી હતી. ત્યાં સુધી કે ફાઇનલ હારનારી કોલકત્તા નાઇટ રાઇડર્સને 12.5 કરોડ રૂપિયા મળ્યા હતા, જે ટી20 વિશ્વકપ વિજેતા ટીમથી વધુ છે. પ્લેઓફમાં પહોંચનાર આઈપીએલની બે અન્ય ટીમને 8.75 કરોડ રૂપિયા મળ્યા હતા. 


16 ટીમોને પ્રાઇઝ મની તરીકે મળ્યા 42 કરોડ રૂપિયા
આઈસીસી સુપર 12ની સ્ટેજ બાદ દરેક જીત પર ટીમોને બોનસ એવોર્ડ મળ્યો. સુપર 12 સ્ટેજ પર રમાયેલ 30 મેચોમાં 40 હજાર ડોલર એટલે કે આશરે 1 કરોડ 20 લાખ ડોલર ઈનામમાં આપવામાં આવ્યા છે. સુપર 12 સ્ટેજ પર બહાર થનારી દરેક ટીમને 70 હજાર ડોલર મળ્યા છે. એટલે કે કુલ મળીને પાંચ લાખ 60 હજાર ડોલરની રકમ વેચવામાં આવી છે. 


રાઉન્ડ-1ના મેચ વિનરને મળશે પ્રાઇઝ
રાઉન્ડ વનમાં બહાર થનારી ચારેય ટીમોને 40-40 હજાર ડોલર મળ્યા છે. એટલે કે કુલ મળીને 1 લાખ 60 હજાર ડોલરની રકમ આપવામાં આવી છે. રાઉન્ડ-1માં બાંગ્લાદેશ, આયર્લેન્ડ, નામીબિયા, નેધરલેન્ડ, ઓમાન, પાપુઆ ન્યુ ગિની, સ્કોટલેન્ડ અને શ્રીલંકાની ટીમો હતી. તો અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો સીધી સુપર-12માં પહોંચી હતી. 


ઓસ્ટ્રેલિયા પ્રથમવાર બન્યું ટી20નું બોસ
ટાઇટલ મુકાબલામાં કેપ્ટન કેન વિલિયમસનની ઈનિંગની મદદથી ન્યૂઝીલેન્ડે ટોસ ગુમાવ્યા બાદ ચાર વિકેટ ગુમાવી 172 રન બનાવ્યા હતા. આ ટી20 ફાઇનલના ઈતિહાસનો સર્વોચ્ચ સ્કોર પણ હતો. પરંતુ જવાબમાં ઓસ્ટ્રેલિયાએ સાત બોલ બાકી રહેતા સરળતાથી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. ઓપનર ડેવિડ વોર્નર અને માર્શે અડધી સદી ફટકારી હતી. કાંગારૂ ટીમે 8 વિકેટે જીત મેળવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube