ધવલ ગોકાણી/અમદાવાદઃ પ્રો-કબડ્ડીની છઠ્ઠી સિઝનનો 7 ઓક્ટોબરથી પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ગત સિઝનની રનર્સઅપ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસની ટીમ આગામી સિઝનમાં ધમાકેદાર પ્રદર્શન કરવા માટે તૈયાર થઈ ગઈ છે. ગુજરાતની ટીમમાં આ વર્ષે ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. ગત વર્ષે ટીમના કેપ્ટન રહેલા સુકેશ હેગડે આ વર્ષે ટીમ સાથે નથી. ત્યારે ટીમના યુવા ખેલાડી સુનીલ કુમારને ટીમનું સુકાન સોંપવામાં આવ્યું છે. આ વર્ષે ફરી ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ ફીર  સે ગરજેગા ગુજરાતના નારા સાથે મેદાને ઉતરવા માટે તૈયાર છે. આ ટીમમાં યુવા તથા  અનુભવી ખેલાડીઓનું મિશ્રણ જોવા મળી રહ્યું છે. સૌથી મહત્વની વાત છે કે ગુજરાતની આ કબડ્ડી ટીમમાં ગુજરાતનો એકપણ ખેલાડી નથી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ગુજરાત ટીમના કોચ મનપ્રીત સિંઘ, નીર ગુલિયા અને કેપ્ટન સુનીલ કુમારે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં ટીમની રણનીતિ અને તૈયારીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં ગુજરાતની ટીમની નવી જર્શી પણ લોન્ચ કરવામાં આવી હતી. 


ગુજરાતની ટીમ ગત સિઝનમાં શાનદાર પ્રદર્શન કરીને તમામ લોકોને પ્રભાવિત કર્યાં હતા. ફાઇનલમાં પટના સામે ગુજરાતનો પરાજય થયો હતો અને ટીમે રનર્સઅપ રહીને સંતોષ કરવો પડ્યો હતો. પરંતુ આ વખતે ગુજરાતની ટીમ ટાઇટલ જીતવા માટે સજ્જ બની ગઈ છે. 


ટીમમાં યુવા અને પીઢ ખેલાડીઓનું મિશ્રણઃ મનપ્રીત સિંઘ
ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ ટીમના કોચ મનપ્રીત સિંહે જણાવ્યું કે, આ ટીમમાં યુવા અને પીઢ ખેલાડીઓનું મિશ્રણ છે. અમારી ટીમની પાસે યુવા જોશની સાથે અનુભવી ખેલાડીઓ પણ સામેલ છે. કોચે કહ્યું કે, અમારી પાસે સચીન અને સુભમ પાલકર જેવા ખેલાડીઓ છે, જે કોઈપણ સમયે મેચ પોતાની તરફેણમાં કરી શકે છે. આ સાથે કોચે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ગત વર્ષની જેમ આ વખતે પણ અમને ભવ્ય સભળતા મળશે. 


આગામી બે-ત્રણ વર્ષમાં ગુજરાતના ખેલાડીઓ પણ લીગમાં હશે
જ્યારે ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસના કોચને પૂછવામાં આવ્યું કે, આ ટીમમાં એકપણ ગુજરાતના ખેલાડીઓ નથી. ત્યારે તેમણે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે, આગામી બે-ત્રણ વર્ષમાં ગુજરાતના ખેલાડીઓ પણ પ્રો-કબડ્ડીમાં જોવા મળશે. તેમણે કહ્યું કે, આ માટે ગુજરાતની ફ્રેન્ચાઇઝી ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહી છે. અમે શાળાઓ વચ્ચે કબડ્ડીની ઈવેન્ટ કરી હતી. જેમાં અનેક શહેરોના 2 હજાર કરતા વધુ ખેલાડીઓ સામેલ થયા હતા. ઘણા ખેલાડીઓમાં સારી ટેલેન્ટ જોવા મળી હતી. આ ખેલાડીઓ આગામી સમયમાં કબડ્ડીમાં રમતા જોવા મળશે. આ સાથે તેમણે કહ્યું કે, ગાંધીનગર કબડ્ડીનું મક્કા છે. 


અમે હિરા તૈયાર કરીએ છીએઃ મનપ્રીત સિંઘ
ગુજરાતની ટીમના કોચને ખેલાડીઓના અનુભવ વિશે પૂછવામાં આવ્યું તો, તેમણે જણાવ્યું કે, અમે હિરા તૈયાર કરીએ છીએ. ગુજરાતની ટીમની રણનીતિ યુવા ખેલાડીઓને લઈને તેને તૈયાર કરવાની છે. ગત સિઝનમાં પણ અને ઘણા શાનદાર ખેલાડીઓ આપ્યા છે. આ વખતે પણ અમે યુવાઓની સાથે અનુભવનું મિશ્રણ કર્યું છે. આ યુવા ખેલાડીઓ ગુજરાતને જીત અપાવવા માટે તૈયાર છે. 


આગામી સિઝનના પડકારો માટે અમે તૈયારઃ નીર ગુલિયા
જીએફજીના કોચ નીર ગુલિયાએ જણાવ્યું કે, પ્રો-કબડ્ડીની પાંચમી સિઝનમાં ગુજરાતને મળેલી સફળતા પ્રતિભા અને પરિશ્રમનો સમન્વય હતો. પરંતુ આ સીઝનમાં આગળ જે પડકારો આવશે, તે માટે અમારી ટીમ સંપૂર્ણ તૈયાર છે. આ વર્ષે અમારા ખેલાડીઓ આકરી પ્રેક્ટિસ કરી રહ્યાં છે, આ સાથે પોતાની ફિટનેસ માટે ખાસ ધ્યાન આપી રહ્યાં છે. ગત સિઝનમાં અમે કરેલી ભૂલોને સુધારીને અમે આ વખતે આગળ વધીશું. 


જાણો કોણ છે યુવા કેપ્ટન સુનિલ કુમાર
ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસનું સુકાન આ વખતે રાઈટ કવર સુનિલ કુમાર સંભાળશે. સુનિલ કુમાર મૂળ હરિયાણાનો છે. સુનિલની પ્રો-કબડ્ડીમાં આ ત્રીજી સિઝન છે. ગત વર્ષે પણ તે ગુજરાતની ટીમ વતી રમ્યો હતો અને શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ વખતે પણ ટીમ માટે તે હુકમનો એક્કો સાબિત થઈ શકે છે. માત્ર 21 વર્ષનો સુનિલ પ્રો-કબડ્ડીનો યુવા કેપ્ટન છે. ગત સિઝનમાં તેણે 24 મેચમાં કુલ 58 પોઈન્ટ મેળવ્યા હતા. 


ફિટનેસ પર સૌધી વધુ ધ્યાન
ગુજરાત ટીમના કેપ્ટન સુનિલ કુમારે જણાવ્યું કે, અમારી ટીમ ફિટનેસ પર સૌથી વધુ ધ્યાન આપી રહી છે. અમે દરરોજ છ કલાક પ્રેક્ટિસ કરીએ છીએ. છેલ્લા ત્રણ મહિનાથી અમારી તૈયારીઓ ચાલી રહી છે. આ વખતે ટીમમાં ઘણા નવા ખેલાડીઓ પણ આવ્યા છે. દરેક ટીમ પ્રમાણે તેની સામે જીતવાની રણનીતિ તૈયાર કરી છે. ગુજરાતની ટીમને ફિટ રાખવાનું કામ ફિટનેસ ટ્રેનર સપના વ્યાસ પટેલ કરી રહી છે. 


શા માટે ગુજરાતની ટીમ છે જીતની દાવેદાર
ગુજરાતની ટીમે પ્રો-કબડ્ડીની પાંચમી સિઝન અને પોતાની પ્રથમ સિઝનમાં ધમાકેદાર શરૂઆત કરી હતી. ફાઇનલમાં પટના સામે ગુજરાતનો પરાજય થયો હતો. ગત સિઝનમાં ગુજરાતની ટીમ ઘર આંગણે એકપણ મેચ ન ગુમાવનાર એકમાત્ર ટીમ હતી. ટીમમાં યુવા તથા અનુભવી ખેલાડીઓનું મિશ્રણ છે. આ વખતે પણ ટીમની કમાન એક યુવા ખેલાડીના હાથમાં સોંપવામાં આવી છે. આ સાથે કોચ મનપ્રીત સિંહ ખેલાડીઓની પ્રતિભાને ઓળખીને યુવા ખેલાડીઓને તક આપવામાં વિશ્વાસ ધરાવે છે. 


7 ઓક્ટોબરથી  પ્રો-કબડ્ડીનો પ્રારંભ, ગુજરાતનો મેચ 9 ઓક્ટોબરે
આગામી 7 ઓક્ટબરથી પ્રો-કબડ્ડીની છઠ્ઠી સિઝનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ગુજરાતની ટીમ 9 ઓક્ટોબરે દબંગ દિલ્હી સામે રમીનો પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. 


અમદાવાદમાં રમાશે 6 મેચ
પ્રો-કબડ્ડી સિઝન-6ના છ મેચ અમદાવાદના ટ્રાન્સ અરેનામાં રમાશે. 16 નવેમ્બરથી 22 નવેમ્બર સુધી ગુજરાતની ટીમ પોતાના હોમ મેચ રમશે. જેમાં 16 નવેમ્બરે બેંગાલ વોરિયર્સ સામે, 17 નવેમ્બરે બેંગલુરૂ બુલ્સ સામે, 18 નવેમ્બરે યૂપી યોદ્ધા સામે, 20 નવેમ્બરે દબંગ દિલ્હી, 21 નવેમ્બરે યુ મુમ્બા અને 22 નવેમ્બરે હરિયાણા સ્ટીલર્સ સામે ગુજરાતની ટીમ રમશે. 


ગુજરાતની ટીમ પર એક નજર
રાયડરઃ અજય કુમાર, ધર્મેન્દર, ડોંગ લી, કે. પ્રપનજન, લલિત ચૌધરી, મહેન્દ્ર રાજપૂત, સચિન, શુભમ અશોક પાલ્કર, યુશવંત બિશ્નોઈ


ડિફેન્ડરઃ અમિત, અમિત શર્મા, સી કલાઇ અરાસન, પ્રરવેશ બૈનશવાલ, રૂતુરાજ કોરાવી, સચિન વિઠ્ઠાલા, સુનિલ કુમાર (કેપ્ટન), વિક્રમ કંડોલા


ઓલરાઉન્ડરઃ અનિલ, હદી ઓસ્ટોરક, રોહિત ગુલિયા