પ્રો કબડ્ડી લીગઃ 6 ખેલાડી બન્યા કરોડપતિ, મોનૂ ગોયાતને મળ્યા 1.51 કરોડ
પ્રો કબડ્ડી લીગની છઠ્ઠી સિઝન માટે હરાજી ચાલુ છે. આજે હરાજીનો બીજો દિવસ છે.
નવી દિલ્હીઃ પ્રો કબડ્ડીની હરાજીમાં પ્રથમ દિવસે 6 ખેલાડીઓએ એક કરોડ રૂપિયાને પાર કરીને ઇતિહાસ રચી દીધો. મોનૂ ગોયાત પર હરિયાણા સ્ટીલર્સે સૌથી વધુ 1.51 કરોડની બોલી લગાવી.
ઈરાનના ફજલ અત્રાચલી પ્રો કબડ્ડી લીગની હરાજીમાં એક કરોડની રકમ મેળવવાર પ્રથમ ખેલાડી બન્યો અને તેને યૂ મુંબાએ પોતાની ટીમ સાથે જોડ્યો.
આ ડિફેન્ડરની બેઝ પ્રાઇજ 20 લાખ રૂપિયા હતી, પરંતુ યૂ મુંબાએ આ ખેલાડીને ખરીદવા માટે 1 કરોડનો ખર્ચ કર્યો. બીજીતરફ દીપક હુડ્ડા પ્રો કબડ્ડી લીગના ઇતિહાસમાં કરોડપતિ ગ્રુપમાં સામેલ થનારો પ્રથમ ભારતીય બની ગયો. જયપુર પિંક પેન્થર્સે તેને 1.15 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
રાહુલ ચૌધરી પર બીજી સર્વાધિક બોલી દિલ્હીએ લગાવી, પરંતુ તેલુગુ ટાઇટન્સે ફાઇનલ બિડ મેચના માધ્યમથી 1.29 કરોડ રૂપિયામાં ખરીદી લીધો. જાંગ કુન લીને બંગાલ વોરિયર્સે 33 લાખમાં ખરીદ્યો.
ઈરાનના અજલ અત્રાચલી પર મોટી રકમ ખર્ચ કર્યા બાદ યૂ મુંબાના માલિક રોની સ્ક્રૂવાલાએ કહ્યું, અમે અમારુ ડિફેન્સ મજબૂત કરવા ઈચ્છીએ છીએ. અમારી ટીમનું ડિફેન્સ પ્રથમ અને બીજી સિઝનમાં મજબૂત હતું તેથી અમે અત્રાચલી પર બોલી લગાવી. તે અમારી સાથે પહેલા રમી ચૂક્યો છે અને અમે તેને ફરી ટીમમાં સામેલ કરીને ખુશ છીએ.
અત્રાચલીએ કહ્યું કે, તે પોતાના બીજા ઘર યૂ મુંબામાં પરત ફરીને ખૂબ ખુશ છે. તેણે કહ્યું, યૂ મુંબા માટે મારા મનમાં ખૂબ સન્માન છે કારણ કે, પીકેએલમાં મારી સફર ત્યાંથી શરૂ થઈ હતી. મેં પ્રો કબડ્ડીમાં સૌથી વધુ બોલીનો રેકોર્ડ બનાવ્યો છે, જે વાસ્તવમાં એક અવિશ્વસનીય અનુભૂતિ છે.