અમદાવાદઃ પ્રો કબડ્ડી લીગનો 69મો મેચ રોમાંચક રીતે 30-30થી ટાઈ રહ્યો હતો. મેચ ટાઇ થવાને કારણે પોઈન્ટ ટેબલમાં ગુજરાતની સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નહીં પરંતુ બેંગલુરૂ બુલ્સને જબરજસ્ત ફાયદો થયો અને તે પટના પાઇરેટ્સને પછાડતા 35 પોઈન્ટની સાથે પ્રથમ સ્થાને આવી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સે પોતાના હોમ ગ્રાઉન્ડમાં એકપણ મેચ નહીં હારવાનો રેકોર્ડ યથાવત રાખ્યો છે. ગત સીઝનમાં પણ ગુજરાત પોતાના ઘરઆંગણે એકપણ મેચ હાર્યું ન હતું. પરંતુ સતત સાત મેચ જીતવાનો સિલસિલો જરૂર બેંગલુરૂ બુલ્સે તોડી દીધો છે. 


હાફ સમય સુધી બેંગલુરૂ બુલ્સે 18-12ની લીડ બનાવી લીધી હતી. શરૂઆતમાં ગુજરાતે લીડ મેળવી પરંતુ રેડર્સના શાનદાર પ્રદર્શનને કારણે બેંગલુરૂ બુલ્સે શાનદાર વાપસી કરી અને ગુજરાતને ઓલઆઉટ કરી દીધું હતું. અહીં સૌથી મહત્વની વાત તે રહી કે બંન્ને ટીમના ડિફેન્ડર્સ પ્રથમ હાફમાં નિષ્ફળ રહ્યાં હતા. ગુજરાત માટે સચિન, તો બેંગલુરૂ માટે કેપ્ટન રોહિત અને પવન કુમાર શેરાવતે શાનદાર કામ કર્યું હતું. પ્રથમ હાફમાં રોહિત કુમાર એકપણ વખત આઉટ ન થયો હતો. 


બીજા હાફની શરૂઆતમાં ગુજરાતની ટીમે શાનદાર રીતે વાપસી કરી અને મેચની 30મી મિનિટમાં ડિફેન્ડર્સના દમદાર પ્રદર્શનની મદદથી બેંગલુરૂને ઓલઆઉટ કરીને મેચમાં લીડ મેળવી લીધી હતી. ત્યારબાદ બુલ્સે પણ વાપસી કરી અને ગુજરાતની લીડ વધવા ન દીધી. અંતમાં આ મુકાબલો ડૂ ઓર ડાય રેડ પર પણ રમવામાં આવ્યો હતો. આ વચ્ચે મેચની અંતિમ રેડ કરવા આવેલ રોહિત ગુલિયાએ રસપ્રદ રેડ કરી, જેમાં તે આઉટ થઈ ગયો પરંતુ બોનસ પોઈન્ટ લઈને આવ્યો, જેનાથી આ રોમાંચક મુકાબલો ટાઈ રહ્યો હતો. બંન્ને ટીમને આ મેચથી 3-3 પોઈન્ટ મળ્યા હતા.