Pulwama Attack: હવે રાજસ્થાન ક્રિકેટ એસોસિએશને હટાવી પાકિસ્તાન ક્રિકેટરોની તસ્વીરો
પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલાના શહીદોના પરિવારોની સાથે એકતા દર્શાવતા રાજ્ય ક્રિકેટ એસોસિએશને પાકિસ્તાની ક્રિકેટરોની તસ્વીરોને હટાવવાનું શરૂ કરી દીધું છે.
નવી દિલ્હીઃ ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા અને પંજાબ ક્રિકેટ સંઘ બાદ રાજસ્થાન ક્રિકેટ એસોસિએશને પણ પાકિસ્તાન ક્રિકેટરોની તસ્વીરો પોતાની ગેલેરીમાંથી હટાવી દીધી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર આરસીએના સવાઈ માન સિંહ ક્રિકેટ સ્ટેડિયમમાં લાગેલી પાકિસ્તાન ક્રિકેટરોની તસ્વીરોને હટાવી દેવામાં આવી છે. મહત્વનું છે કે, પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા આતંકી હુમલાના શહીદોના પરિવાર સાથે એકતા દર્શાવતા એસોસિએશનોએ આ નિર્ણય લીધો છે.
આ પહેલા પંજાબ ક્રિકેટ એસોસિએશને મોહાલી ક્રિકેટ સ્ટેડિયમની અંદર લાગેલી પાકિસ્તાન ક્રિકેટરોની તસ્વીર રવિવારે હટાવી દીધી હતી. પીસીએના કોષાધ્યક્ષ અજય ત્યાગીએ આ વિશે જણાવ્યું કે, આ નિર્ણય એસોસિએશનના અધિકારીઓની બેઠકમાં લેવામાં આવ્યો છે. ત્યાગીએ કહ્યું, એક વિનમ્ર પગલા બેઠળ પીસીએએ પુલવામા હુમલાના શહીદો પ્રત્યે એકતા દર્શાવવાનો નિર્ણય લીધો છે. આ જઘન્ય હુમલા બાદ દેશમાં ગુસ્સાનો માહોલ છે અને પીસીએ પણ તેનાથી અલગ નથી.
તેમણે કહ્યું કે, મોહાલી સ્ટેડિયમમાં વિભિન્ન જગ્યાઓ પર પાકિસ્તાની ક્રિકેટરોની આશરે 15 તસ્વીરો લાગેલી હતી. ત્યાગીએ કહ્યું કે, જે ક્રિકેટરોની તસ્વીરો હટાવવામાં આવી છે તેમાં પાકિસ્તાનના હાલના વડાપ્રધાન ઈમરાન ખાન પણ સામેલ છે. આ સિવાય અફરીદી, જાવેદ મિયાદાદ અને વસીમ અકરમ સામેલ છે.
આ પહેલા શનિવારે મુંબઈ સ્થિત ક્રિકેટ ક્બલ ઓફ ઈન્ડિયાએ પણ આતંકી હુમલાનો અનોખી રીતે વિરોધ કરતા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનું પોસ્ટર હટાવી દીધું હતું. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરૂવારે થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા અને ઘણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે તેની જવાબદારી લીધી હતી.