નવી દિલ્હી: 21માં કોમનવેલ્થ ગેમ્સના ચોથા દિવસે ભારતને વેઈટલિફ્ટિંગમાં પાંચમો ગોલ્ડ મેડલ હાંસલ થયો છે. ભારતની મહિલા વેઈટલિફ્ટર પૂનમ યાદવે 69 કિલો વર્ગભારના સ્નેચમાં 100 અને ક્લીન એન્ડ જર્કમાં 122 કિલોગ્રામ વજન કુલ મળીને 222 કિગ્રા વજન ઉઠાવ્યું. ભારતને અત્યાર સુધીમાં બધા ગોલ્ડ મેડલ વેઈટલિફ્ટિંગમાં જ મળ્યા છે. હવે ભારત પાસે 5 ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મળીને કુલ 7 મેડલ આવ્યાં છે.  મેડલ ટેલીમાં જો કે હજુ ભારત 4થા નંબરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

21માં કોમનવેલ્થ ગેમ્સની મેડલ ટેલીમાં 22 ગોલ્ડ, 17 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ એમ  કુલ 59 મેડલ સાથે ઓસ્ટ્રેલિયા પહેલા નંબરે છે. જ્યારે 14 ગોલ્ડ, 17 સિલ્વર, 20 બ્રોન્ઝ એમ કુલ 34 મેડલ સાથે ઈંગ્લેન્ડ બીજા નંબરે છે. 5 ગોલ્ડ, 7 સિલ્વર, અને 6 બ્રોન્ઝ એમ કુલ 18 મેડલ સાથે કેનેડા ત્રીજા નંબરે છે.


આ અગાઉ ત્રીજા દિવસે ભારતને ટેબલ ટેનિસ, બેડમિન્ટન, બોક્સિંગ, વેઈટલિફ્ટિંગ અને હોકીમાં સફળતા મળી છે. જો કે સાઈકલિંગ, સ્વિમિંગ, બાસ્કેટબોલ અને સ્ક્વોશમાં નિરાશા મળી છે. બેડમિન્ટનની વાત કરીએ તો ભારતીય ટીમે મિશ્રિત ટીમ સ્પર્ધાની સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યં છે. ટીમે મોરેશિયસને ક્વાર્ટર ફાઈનલમાં 3-0થી હરાવી અને સેમીફાઈનલમાં પ્રવેશ મેળવ્યો.



સેમીફાઈનલમાં હવે ભારતીય ટીમનો મુકાબલો સિંગાપુર સાથે થશે. જેણે ક્વાર્ટર ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવી. વેઈટલિફ્ટિંગમાં સતીષે પુરુષોની 77 કિલોગ્રામ ભારવર્ગની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો. તેણે સ્નેચમાં 144નો સર્વશ્રેષ્ઠ ભાર ઉઠાવ્યો હતો જ્યારે  ક્લીન એન્ડ જર્કમાં 173નો સર્વશ્રેષ્ઠ ભાર ઉઠાવ્યો હતો. કુલ મળીને તેમનો સ્કોર 317 રહ્યો. તેમને ક્લીન એન્ડ જર્કમાં ત્રીજા પ્રયત્નની જરૂર પડી નહી.


આ ઉપરાંત વેંકટે કેરારા સ્પોર્ટ્સ એરીના-1માં આયોજિત આ સ્પર્ધામાં સ્નેચ અને ક્લીન એન્ડ જર્કમાં કુલ 338 કિગ્રા વજન ઉઠાવીને ગોલ્ડ મેળવ્યો. સ્નેચ સ્પર્ધામાં પહેલીવાર 147 કિગ્રા વજન ઉઠાવ્યું, બીજીવાર 151 કિગ્રા વજન ઉઠાવવામાં તે નિષ્ફળ ગયાં. પરંતુ ત્રીજીવારમાં તેમણે વજન ઉઠાવીને શાનદાર પ્રદર્શન કર્યું. સ્નેચમાં આ તેમનું સૌથી શાનદાર પ્રદર્શન હતું.


ક્લીન એન્ડ  જર્કમાં બીજીવારમાં તેમણે સૌથી સારું પ્રદર્શન કરતા 187 કિગ્રા વજન ઉઠાવ્યું. પહેલીવારમાં તેમણે 182 કિલો વજન ઉઠાવ્યું હતું. જ્યારે ત્રીજીવારમાં 191 કિગ્રા વજન ઉઠાવવામાં નિષ્ફળ ગયાં પરંતુ શાનદાર પ્રદર્શન કરીને તેઓ ગોલ્ડ જીતી ચૂક્યા હતાં.