ગુવાહાટીઃ પ્રથમ 9 મેચમાં 8 જીત સાથે શાનદાર પ્રદર્શન કરનાર રાજસ્થાન રોયલ્સે છેલ્લી ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આજે પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે પરાજય આપ્યો છે. પ્લેઓફ પહેલા રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન કેપ્ટન સંજૂ સેમસન માટે ચિંતાનો વિષય છે. આજે પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 144 રન બનાવી શકી હતી. જેના જવાબમાં પંજાબ કિંગ્સે 18.5 ઓવરમાં લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેમ કરન રહ્યો જીતનો હીરો
પંજાબ કિંગ્સની જીતનો હીરો કેપ્ટન સેમ કરન રહ્યો હતો. એક સમયે પંજાબે પણ શરૂઆતમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ સેમ કરને પહેલાં જીતેશ શર્મા સાથે ભાગીદારી કરી અને ત્યારબાદ આશુતોષ શર્મા સાથે મળી ટીમને જીત અપાવી હતી. સેમ કરને 41 બોલમાં 5 ચોગ્ગા અને 3 સિક્સ સાથે અણનમ 63 રન બનાવ્યા હતા. 


પંજાબ કિંગ્સની પણ શરૂઆત રહી ખરાબ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબને પ્રથમ ઓવરમાં ઝટકો લાગ્યો હતો. પ્રભસિમરન સિંહ 6 રન બનાવી આઉટ થયો હતો. બેયરસ્ટોએ 22 બોલમાં 14 રન બનાવ્યા હતા. જ્યારે રિયલી રોસોએ 13 બોલમાં 5 ચોગ્ગા સાથે 22 રન બનાવ્યા હતા. શશાંક સિંહ શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. જીતેશ શર્માએ 22 અને આશુતોષ શર્માએ અણનમ 17 રન બનાવ્યા હતા. 


રાજસ્થાન રોયલ્સની ઈનિંગ
રાજસ્થાન માટે રિયાન પરાગે સૌથી વધુ રન બનાવ્યા હતા. પરાગ 34 બોલમાં 6 ચોગ્ગા સાથે 48 રન બનાવી આઉટ થયો હતો. આ સિવાય અશ્વિને 19 બોલમાં 28 રન બનાવ્યા હતા. આ સિવાય યશસ્વી જયસ્વાલ 4 રન બનાવી આઉટ થયો હતો. કોડમોર અને સેમસને 18-18 રનનું યોગદાન આપ્યું હતું. 


ધ્રુવ જુરેલ 0 રન બનાવી આઉટ થયો હતો. રોવમેન પોવેલે 4 અને ડેવોન ફેરેરિયોએ 4 રન બનાવ્યા હતા. ટ્રેન્ટ બોલ્ટ 12 રન બનાવી રનઆઉટ થયો હતો. પંજાબ કિંગ્સ તરફથી સેમ કરન, હર્ષલ પટેલ અને રાહુલ ચહરે બે-બે વિકેટ લીધી હતી. જ્યારે અર્શદીપ સિંહ અને નાથન એલિસને એક-એક વિકેટ મળી હતી.