વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપઃ પીવી સિંધુએ જીત બાદ કહ્યું- `આજે માતાનો જન્મદિવસ, આ જીત તેમને સમર્પિત`
ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ રવિવારે ઇતિહાસ રચી દીધો હતો. તેણે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જીત બાદ તેણે કહ્યું કે, આજે મારી માંનો જન્મદિવસ છે અને જીત તેમને સમર્પિત છે.
બસેલ (સ્વિટ્ઝર્લેન્ડ): ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ પોતાનીમાતાને જન્મદિવસ પર તેનાથી સારી ગિફ્ટ ન આપી શકે. રવિવારે તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપ મહિલા સિંગલ્સ ફાઇનલમાં જાપાનની નાઝોમી ઓકુહારાને હરાવીને ઈતિહાસ રચી દીધો હતો. જીત બાદ સિંધુએ કહ્યું કે, આજે તેની માતાનો જન્મદિવસ છે અને જીત તેને સમર્પિત કરે છે. 37 મિનિટ સુધી ચાલેલી ફાઇનલમાં તેણે 21-7, 21-7થી જીત મેળવી હતી. તે આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય શટલર બની ગઈ છે.
આ મુકાબલામાં સિંધુ હાવી રહી અને તેણે 2017ના ફાઇનલમાં ઓકુહારાના હાથે થયેલા પરાજયનો બદલો લઈ લીધો હતો. સિંધુની આ ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી ફાઇનલ હતી અને તેણે આ વખતે પોતાના મેડલનો કલર બદલ્યો હતો. સિંધુની પાસે આ ટૂર્નામેન્ટમાં ત્રણ મેડલ થઈ ગયા છે. તેણે આ પહેલા બે બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે.
જીત બાદ સિંધુએ કહ્યું, 'આજે મારી માંનો જન્મદિવસ છે અને આ અવસર પર પોતાની જીત હું તેમને સમર્પિત કરુ છું. ત્યારબાદ દર્શકોએ હેપ્પી બર્થડે સોન્ગ વગાડીને સિંધુને શુભેચ્છા આપી હતી.'
ભારતની આ સ્ટાર શટલરે કહ્યું કે, તે સતત બે ફાઇનલ હારી હતી અને આ વખતે કોઈપણ ભોગે ગોલ્ડ મેડલ જીતવા પ્રતિબદ્ધ હતી. સિંધુએ કહ્યું, 'આ જીત મારા માટે મહત્વપૂર્ણ હતી.' સિંધુએ કહ્યું કે, આ જીત મારા માટે અને મારા દેશ માટે ખુબ મહત્વ રાખે છે. તેણે કહ્યું, 'મને મારા ભારતીય હોવા પર ગર્વ છે.'
ટૂર્નામેન્ટ દરમિયાન સિંધુને ખુબ સમર્થન મળ્યું હતું. તેણે કહ્યું, 'હું દર્શકોનો આભાર વ્યક્ત કરુ છું જેણે મેચમાં મારૂ સમર્થન કર્યું.' ભારતની નંબર વન શટલરે આ તકે પોતાના કોચ ગોપીચંદ અને સપોર્ટ સ્ટાફનો પણ આભાર માન્યો હતો.