વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપઃ પીવી સિંધુએ બનાવી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા
ગત વર્ષ વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપના ફાઇનલમાં જ સિંધુએ ઓકુહારાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
નાનજિંગ (ચીન): ગત વર્ષે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર ભારતીય બેડમિન્ટનખેલાડી પીવી સિંધુએ પોતાનું સારૂ પ્રદર્શન જાળવી રાખતા ગુરૂવારે આ ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો. મહિલા સિંગલ્સના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ નંબર-3 સિંધુએ દક્ષિણ કોરિયાની સુંગ જી હ્યયૂનને પરાજય આપ્યો.
સિંધુએ વર્લ્ડ નંબર-9 હ્યયૂનને 42 મિનિટોની અંદર સીધા ગેમમાં 21-10, 21-18થી પરાજય આપીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. વર્ષ 2013 અને 2014માં વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિનો બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરનારી સિંધુનો સામનો હવે ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની વર્લ્ડ નંબર-6 અને તેની કટ્ટર હરીફ નોજોમી ઓકુહારાની સામે થશે.
ગત વર્ષે વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપના ફાઇનલમાં સિંધુનો ઓકુહારાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો અને આ કારણે તે ગોલ્ડ મેડલ જીતવાથી ચુકી ગઈ હતી.
બીડબ્લ્યૂએફ વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતની આશાનો ભાર સ્ટાર ખેલાડી પીવી સિંધુ, સાયના નેહવાલ પર ટકેલો છે.