ગ્વાંગઝૂઃ ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ વર્લ્ડ ટૂર ફાઇનલ્સમાં ટાઇટલ જીતીને ઈતિહાસ રચી દીધો છે.  રવિવારે રમાયેલી મહિલા સિંગલની ફાઇનલમાં તેણે જાપાનની નોજોમી ઓકુહારાને 21-19, 21-17થી  હરાવીને પ્રથમવાર આ ટૂર્નામેન્ટ પર કબજો કર્યો છે. ગત વર્ષે રમાયેલી ફાઇનલમાં પણ આ બંન્ને  ખેલાડીઓનો સામનો થયો હતો જેમાં ઓકુહારાએ સિંધુને હરાવી હતી. આ સાથે સિંધુ બીડબ્લ્યૂએફ વર્લ્ડ ટૂર  ટાઇટલ્સ જીતનારી પ્રથમ ભારતીય બની ગઈ છે. આ તેના કરિયરનું 14મુ અને સિઝનનું પ્રથમ ટાઇટલ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

23 વર્ષની આ ખેલાડીએ સેમી ફાઇનલમાં થાઈલેન્ડની રતચાનોક ઇંતાનોનને 21-16, 25-23થી હરાવીને  સતત બીજી વખત ફાઇનલમાં જગ્યા બનાવી હતી. વિશ્વની છઠ્ઠા નંબરની ખેલાડીએ સતત બીજી વખત  ફાઇનલ રમ્યા બાદ ટાઇટલ પર કબજો કર્યો છે. 


પ્રથમ ગેમ
2016 રિયો ઓલમ્પિકની સિલ્વર મેડલિસ્ટ સિંધુએ મેચની શરૂઆત આક્રમકતા સાથે કરી હતી. પરંતુ મેચનો પ્રથમ પોઈન્ટ ઓકુહારાએ જીત્યો પરંતુ સિંધુએ ઝડપથી વાપસી કરતા લીડ મેળવી લીધી હતી. તેણે પોતાની લંબાઇનો ફાયદો ઉઠાવતા સારા સ્મૈશ લગાવ્યા અને શટલને જાપાની ખેલાડીને પહોંચથી દૂર રાખીને પોઈન્ટ મેળવ્યા હતા. 


સિંધુ 5-1થી આગળ હતી ત્યારબાદ ઓકુહારાએ વાપસી કરતા અંતરને ઓછુ કરતા સ્કોર 7-5 કરી દીધો. પરંતુ ત્યારબાદ સિંધુએ ફરી સારી કોર્ટ કવર કરી અને નોજોમી ઓકુહારાને ભૂલ કરવા માટે મજબૂર કરી હતી. પ્રથમ ગેમમાં બ્રેક સુધી સિંધુએ 11-6થી આગળ હતી. 


બ્રેક બાદ સિંધુએ પોતાની લીડ વધારીને 14-6 કરી દીધો. અહીં લાગવા લાગ્યું હતું કે સિંધુ આ ગેમને આસાનીથી જીતી લેશે પરંતુ જાપાની ખેલાડીએ તેની રણનીતિમાં ફેરફાર કર્યો હતો. તેણે કોર્ટ કવર કરીને સિંધુ માટે પોઈન્ટ હાસિલ કરવાનું મુશ્કેલ કરી દીધું હતું. સ્કોર 16-16 સુધી બરોબર પહોંચી ગયો હતો. બંન્ને ખેલાડીઓ વચ્ચે ખૂબ સંઘર્ષ જોવા મળ્યો હતો. સિંધુએ 20-17ની લીડ મેળવી લીધી પરંતુ ઓકુહારાને બે પોઈન્ટ જીતીને મેચનો રોમાંચ વધારી દીધો પરંતુ અંતમાં સિંધુએ અંક જીતીને પ્રથમ ગેમ 21-19થી પોતાના નામે કરી લીધી હતી. 


બીજી ગેમ
સિંધુએ ગેમની શરૂઆત 3 પોઈન્ટ જીતીને કરી હતી. પરંતુ ઓકુહારાએ પણ શાનદાર વાપસી કરી. તેણે સિંધુ પર દબાવ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતીય ખેલાડીએ દરેક શોટનો શાનદાર જવાબ આપ્યો હતો. બ્રેક સુધીમાં સિંધુ 11-9થી આગળ હતી. ત્યારબાદ બંન્ને વચ્ચે ખૂબ ટક્કર જોવા મળી હતી. અંતમાં સિંધુએ બીજી ગેમ 21-17થી પોતાના નામે કરીને ટાઇટલ જીતી લીધું હતું.