લાલ કોર્ટ પર નડાલની હેટ્રિક, રેકોર્ડ 12માં ફ્રેન્ચ ઓપન ટાઇટલ પર કર્યો કબજો
ક્લે કોર્ટના બાદશાહે રવિવારે રેકોર્ડ 12મી વખત ફ્રેન્ચ ઓપન ટાઇટલ પોતાના નામે કર્યું. વર્લ્ડ નંબર-2 નડાલ કોઈપણ ગ્રાન્ડસ્લેમ પર 10 કે તેથી વધુ વખત કબજો કરનાર એકમાત્ર ખેલાડી છે.
પેરિસઃ સ્પેનના ટેનિસ સ્ટાર રાફેલ નડાલે ફ્રેન્ચ ઓપન-2019નું પુરૂષ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે. લાલ કોર્ટ પર તેણે સતત ત્રીજા વર્ષે વિજેતા બનીને જીતની હેટ્રિક લગાવી છે. આ સાથે તેણે પોતાનો રેકોર્ડ વધુ મજબૂત કરી લીધો છે. ક્લ કોર્ટના બાદશાહે રવિવારે રેકોર્ડ 12મી વખત ફ્રેન્ચ ઓપન ટાઇટલ પોતાના નામે કર્યું છે. વર્લ્ડ નંબર-2 નડાલ કોઈપણ ગ્રાન્ડસ્લેમ પર 10 કે તેથી વધુ કબજો કરનાર એકમાત્ર ખેલાડી છે.
33 વર્ષના નડાલે 18મું ગ્રાન્ડસ્લેમ સિંગલ્સ ટાઇટલ પોતાના નામે કર્યું છે. નડાલ હજુ પણ મહાન વિરોધી રોજર ફેડરરથી 2 મેજર ટાઇટલ પાછળ ચાલી રહ્યો છે, પરંતુ સ્વિસ સ્ટાર તેનાથી ચાર વર્ષ મોટો છે.
નડાલે વર્લ્ડ નંબર-4 ઓસ્ટ્રિયાના 25 વર્ષના ડોમિનિક થીમને 3 કલાક 1 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં 6-3, 5-7, 6-1, 6-1થી પરાજય આપ્યો હતો. બીજીવાર કોઈપણ ગ્રાન્ડસ્લેમના ફાઇનલમાં પહોંચેલા થીમનું પ્રથમ ટાઇટલ જીતવાનું સપનું અધુરૂ રહી ગયું હતું. થીમે આ વખતે સેમીમાં વર્લ્ડ નંબર-1 જોકોવિચને હરાવ્યો હતો.
મોસ્ટ મેન્ઝ સિંગલ્સ ગ્રાન્ડ સ્લૅમ ટોપ -4 (ઓપન એરા)
1. રોજર ફેડરર (સ્વિટઝરલેન્ડ) 20 (ઓસ્ટ્રેલિયન -6, ફ્રેન્ચ -1, વિમ્બલ્ડન -8, યુએસ -5)
2. રફેલ નડાલ (સ્પેન) 18 (ઓસ્ટ્રેલિયન -1, ફ્રેંચ -12, વિમ્બલ્ડન -2, યુએસ -3)
3. નોવાક ડીજોકોવિક (સર્બિયા) 15 (ઓસ્ટ્રેલિયન -7, ફ્રેંચ -1, વિમ્બલ્ડન -4, યુએસ -3)
પીટ સેમ્પ્રાસ (યુનાઇટેડ સ્ટેટ્સ) 14 (ઓસ્ટ્રેલિયન -2, ફ્રેન્ચ -0, વિમ્બલ્ડન -7, યુએસ -5)
ફ્રેન્ચ ઓપન: ટોચના 3 વિજેતા (ઓપન એરા)
1. રફેલ નડાલ (સ્પેન) 12 વખત (2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019)
2. બી બોર્ગ (સ્વીડન) 6 વખત (1974, 1975, 1978, 1979, 1980, 1981)
3. મેટ્સ વિલેન્ડર (સ્વીડન) 3 વખત (1982, 1985, 1988)