ટેનિસ સ્ટાર રાફેલ નડાલ પાંચમી વખત રોજર્સ કપમાં બન્યો ચેમ્પિયન
રાફેલ નડાલે પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં રૂસના ડેનિલ મેદવેદેવને પરાજય આપીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું.
મોન્ટ્રિયલઃ સ્પેનના રાફેલ નડાલે પુરૂષ વર્ગમાં રોજર્સ કપનું ટાઇટલ જીતી લીધું છે. નડાલે પુરૂષ સિંગલ્સના ફાઇનલમાં રૂસના ડેનિલ મેદવેદેવને પરાજય આપીને ટ્રોફી પોતાના નામે કરી હતી. વર્લ્ડ નંબર-2 સ્પેનિશ ખેલાડીએ ફાઇનલમાં દમદાર પ્રદર્શન કરતા 6-3, 6-0થી જીત મેળવી હતી. બંન્ને ખેલાડીઓ વચ્ચે આ એકતરફી મેચ માત્ર 70 મિનિટ સુધી ચાલી હતી. નડાલે પાંચમી વખત રોજર્સ કપ ટૂર્નામેન્ટનું ટાઇટલ પોતાના નામે કર્યું છે.
રાફેલ નડાલે કહ્યું, 'મારે હજુ વધુ શીખવાનું છે. હું આગામી વર્ષે વિભિન્ન મેચોમાં રમવા માટે નવી વસ્તુ શીખીને આવીશ. મેદવેદેવ ખુબ પ્રતિભાશાળી ખેલાડી છે. પરંતુ કેટલાક દિવસ તમે તેવું પ્રદર્શન કરી શકતા નથી, જે તમે વિચારો છો.' નડાલે ટાઇટલ જીત્યા બાદ કહ્યું કે, હવે તે 26 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા યૂએસ ઓપનની તૈયારી કરશે. નડાલે કહ્યું, 'મેદવેદેવ આ મેચ પહેલા ઘણી મેચ રમ્યો હતો. મારા માટે આ એક અલગ કહાની હતી. હું આ પહેલા માત્ર ત્રણ મેચ રમ્યો હતો.'
ટેનિસ સ્ટાર રાફેલ નડાલ પાંચમી વખત રોજર્સ કપમાં બન્યો ચેમ્પિયન
બિયાન્કા એંડ્રેસ્કૂ બની મહિલા સિંગલ્સમાં ચેમ્પિયન
અમેરિકાની દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સને રોજર્સ કપની ફાઇનલમાં ઈજા થવાને કારણે રિટાયર થવું પડ્યું જેથી તે ટાઇટલ જીતવાનું ચુકી ગઈ હતી. આ કારણે તેની વિરોધી કેનેડાની યુવા બિયાન્કા એંડ્રેસ્કૂએ આ ટાઇટલ હાસિલ કર્યું હતું. મેચમાં શરૂઆતથી સેરેના આગળ ચાલી રહી હતી, પરંતુ 19 મિનિટની રમત બાદ તેને પીઠમાં દુખાવો થવા લાગ્યો અને પોતાની ખુરશી પર બેસીને રોવા લાગી. ત્યારબાદ તેણએ મેચમાથી રિટાયર થવાનો નિર્ણય કરવો પડ્યો હતો.