દેવધર ટ્રોફીઃ અંજ્કિય રહાણે અને ઈશાન કિશનની સદીની મદદથી ઈન્ડિયા સી બન્યું ચેમ્પિયન
દેવધર ટ્રોફીના ફાઇનલ મેચમાં ઈન્ડિયા સીએ ઈન્ડિયા બીને 29 રને પરાજય આપ્યો છે. આ જીતની સાથે ઈન્ડિયા સીએ ટાઇટલ કબજે કરી લીધું છે.
નવી દિલ્હીઃ અંજ્કિય રહાણે અને ઈશાન કિશનની ધમાકેદાર સદીની મદદથી ઈન્ડિયા સીએ ઈન્ડિયા બીને 29 રને હરાવીને દેવધર ટ્રોફીનું ટાઇટલ પોતાના નામે કરી લીધુ હતું. ઈન્ડિયા સી માટે અંજ્કિય રહાણેએ અણનમ 144 અને વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનના 114 રનની મદદથી ઈન્ડિયા બીએ 353 રનનો વિશાળ લક્ષ્ય આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારત બીની ટીમ 46.1 ઓવરમાં 323 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારત બીના કેપ્ટન શ્રેયસ અય્યરે 114 બોલમાં 11 ફોર અને આઠ સિક્સની મદદથી 148 રન બનાવ્યા પરંતુ તેની ટીમને જીત અપાવી શક્યો ન હતો. જ્યારે તે ક્રીઝ પર હતો તો ટીમની જીતની આશા જીવંત હતી, પરંતુ તે આઉટ થતા ટીમનો ધબડકો થયો હતો. અય્યર સિવાય ઋૃતુરાજ ગાયકવાડે 60 અને અંકુશ બૈંસે 37 રનનું યોગદાન આપ્યું હતું.
વિજય હજારે ટ્રોફીની ખોજ ગણાતા પપ્યૂ રાય ભારત સીનો સૌથી સફળ બોલર રહ્યો જેણે ત્રણ વિકેટ ઝડપી હતી. રજનીશ ગુરબાની, નવદીપ સૈની અને વિજય શંકરને બે-બે સફળતા મળી હતી.
આ પહેલા ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ભારત સીને કેપ્ટન રહાણે અને વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશને શાનદાર શરૂઆત અપાવી હતી. રહાણેએ 156 બોલમાં અણનમ 144 રન ફટકાર્યા જેમાં 9 ફોર અને 3 સિક્સનો સમાવેશ થાય છે.
ઇશાન કિશન આક્રમક રમ્યો તેણે 87 બોલમાં 11 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 114 રન બનાવ્યા હતા. અંતિમ ઓવરોમાં સૂર્યકાંત યાદવ 18 બોલમાં 39 રને ટીમનો સ્કોર 350ને પાર પહોંચડ્યો હતો.
ઈન્ડિયા સી માટે જયદેવ ઉનડકટ સૌથી સફળ બોલર રહ્યો જેણે 10 ઓવરમાં 52 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. દીપક ચહર અને મયંક માર્કંડેયને બે-બે સફળતા મળી હતી.