એશિયાડમાં ગોલ્ડ જીતનાર બજરંગ-વિનેશ રેલવેમાં બનશે ઓફિસર
ઈન્ડોનેશિયાના જકાર્તા-પાલેમબાંગમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતના રેશલરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયાએ ગોલ્ડ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે.
નવી દિલ્હીઃ ઈન્ડોનેશિયાના જકાર્તા-પાલેમબાંગમાં ચાલી રહેલી 18મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય બોક્સર બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટને રેલવેમાં પ્રમોશન મળશે. રેલવેએ મંગળવારે આ બે ખેલાડીઓને રાજપત્રિત અધિકારી (ગેજેટ ઓફિસર)નું પદ આપવાની જાહેરાત કરી છે.
રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, આ બંન્નેને રેલવેના નિયમો પ્રમાણે પ્રમોશન મળશે.
ત્રણ ઓગસ્ટે રેલવે પ્રધાન પીયૂષ ગોયેલે ખેલાડીઓના પ્રમોશન માટે એક નવી પોલિસીની જાહેરાત કરી હતી. આ નવી નીતિ પ્રમાણે ઓલંમ્પિકમાં મેડલ જીતનાર ખેલાડીઓ અને પદ્મશ્રીથી સન્માનિત ટ્રેનર્સને અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવશે.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ખેલાડીઓની મહેનતને સન્માન આપતા જે ખેલાડીઓએ બે ઓલંમ્પિકમાં સ્થાન મેળવ્યું છે અને એશિયન ગેમ્સ તથા કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો છે તેને મંત્રાલયે અધિકારીના રેંક પર નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે.
વિનેશે એશિયન ગેમ્સના બીજા દિવસે સોમવારે મહિલાઓની 50 કિલોગ્રામ સ્પર્ધાની ફાઇનલમાં જાપાનની યૂકી ઇરીને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા રેસલર બની છે.