IndvsAus: સિડની ટેસ્ટ ડ્રો, ભારતે રચ્ચો ઈતિહાસ, 72 વર્ષમાં પ્રથમવાર કાંગારૂની ધરતી પર જીતી ટેસ્ટ શ્રેણી
વરસાદને કારણે સિડની ટેસ્ટ મેચ ડ્રો જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની ધરતી પર પ્રથમવખત ટેસ્ટ શ્રેણી પોતાના નામે કરી લીધી છે.
સિડનીઃ વરસાદને કારણે ટેસ્ટમાં પાંચમાં દિવસે વરસાદને કારણે ટેસ્ટ મેચ ડ્રો જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે ભારતીય ટીમે પ્રથમવાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતીને ઈતિહાસ રચી દીધો છે. ચાર ટેસ્ટ મેચોની સિરીઝ ભારતે 2-1થી પોતાના નામે કરી લીધી છે. ભારતીય ટીમ 72 વર્ષમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ થઈ છે. વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતનાર પ્રથમ એશિયન કેપ્ટન બની ગયો છે. સિડની ટેસ્ટ અને સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર ચેતેશ્વર પૂજારાને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો છે.
ભારતીય ટીમ પ્રથમવાર 1947/48મા ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ રમવા માટે ગઈ હતી. લાલા અમરનાથની ટીમ ડોન બ્રેડમેનની મજબૂત ટીમ સાથે ટકરાઈ હતી. ત્યારબાદ ભારતે કુલ મળીને 11 વખત ઓસ્ટ્રેલિયામાં પહોંચી પરંતુ દર વખતે જીતથી દૂર રહી હતી. 8 વખત તેને હાર મળી અને ત્રણ વખત સિરીઝ ડ્રો કરવામાં સફળ રહી હતી. ભારતનો આ 12મો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ હતો.
ભારતની બેટિંગ, વિશેષ કરીને ચેતેશ્વર પૂજારાએ આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ત્રણ સદી ફટકારી હતી. તેણે શ્રેણીમાં 521 રન બનાવ્યા છે. સાત ઈનિંગમાં તેણે 74.42ની એવરેજથી રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 193 રન રહ્યો છે. પૂજારા બાદ યુવા વિકેટકીપર પંતે આ સિરીઝમાં 350 રન બનાવ્યા અને વિરાટ કોહલીએ 282 રન બનાવ્યા છે. પંતે આ સિરીઝમાં 20 કેચ પણ ઝડપ્યા છે.
ભારતીય બોલિંગની વાત કરીએ તો જસપ્રીત બુમરાહની ગતી, ઉછાળ અને સ્પિંગે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. તેણે 21 વિકેટ ઝડપી છે. તો મોહમ્મદ શમીએ 16 અને ઈશાંત શર્માએ 11 વિકેટ ઝડપી છે.
ભારતે પોતાની ઈનિંગમાં ચેતેશ્વર પૂજારા અને રિષભ પંતની સદીની મદદથી 7 વિકેટ પર 622 રન બનાવીને દાવ ડિક્લેર કર્યો હતો. ત્યારબાદ કુલદીપ યાદવની પાંચ વિકેટની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાને 300 રનમાં ઓલાઉટ કરી દીધું હતું.
ભારતે 322 રનની લીડની સાથે ઓસ્ટ્રેલિયાને ફોલોઓન આપ્યું. પરંતુ હવામાનને કારણે ઓસ્ટ્રેલિયાને રાહત મળી છે. ભારતનો આ 12મો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ હતો. ભારતે વિદેશી પ્રવાસમાં હવે માત્ર સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતી નથી.
ભારતે એડિલેડમાં પ્રથમ ટેસ્ટ મેચ જીતીને સિરીઝમાં લીડ મેળવી હતી. ત્યારબાદ પર્થમાં ઓસ્ટ્રેલિયાએ વિજય મેળવીને સિરીઝ બરોબર કરી લીધી હતી. ત્યારબાદ મેલબોર્નમાં ભારતનો વિજય થયો. આ જીત સાથે શ્રેણીમાં 2-1ની અજેય લીડ મેળવી લીધી હતી.
ભારતે પ્રથમવાર 1947/48મા ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી એકપણ વાર ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતી શક્યું નથી. પરંતુ હવે આ ઈતિહાસમાં પરિવર્તન આવશે. ભારત તરફથી 12 કેપ્ટન ઓસ્ટ્રેલિયા ગયા છે. વિરાટ કોહલીએ આ પ્રવાસમાં બે ટેસ્ટ મેચ જીતી છે. આ કોઈપણ ભારતીય કેપ્ટન દ્વારા ઓસ્ટ્રેલિયામાં એક પ્રવાસમાં જીતેલી સૌથી વધુ ટેસ્ટ છે. કોહલીની આગેવાનીમાં આ સિઝનમાં ભારતે સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારત છેલ્લા બે વર્ષથી ટેસ્ટ રેન્કિંગમાં નંબર એક પર છે. ભારતે 2019મા ઝિમ્બાબ્વે, વેસ્ટ ઈન્ડિઝ, સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ વિરુદ્ધ સિરીઝ રમવાની છે. ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા સામે ટેસ્ટ સિરીઝ રમવાની છે અને વિશ્વકપ બાદ એશિઝ રમવાની છે.