ભારતના આ ખેલાડીએ કરી સંન્યાસની જાહેરાત, ફેંકી હતી IPLના ઈતિહાસની પ્રથમ સુપર ઓવર
આઈપીએલ 2009થી પોતાના કરિયરની શરૂઆત કરનાર એક ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તેણે આઈપીએલ ઈતિહાસની પ્રથમ સુપર ઓવર ફેંકી હતી.
નવી દિલ્હીઃ આઈપીએલની શરૂઆત વર્ષ 2008માં થઈ હતી. આ લીગની પ્રથમ સીઝન શેન વોર્નની આગેવાનીમાં રાજસ્થાન રોયલ્સે જીતી હતી. આ લીગ યુવા ખેલાડીઓને પોતાની ઓળખ બનાવવા માટે શાનદાર તક આપે છે. આવું ત્યારે પણ જોવા મળ્યું હતું, જ્યારે શેન વોર્નની આગેવાનીમાં એક યુવા ભારતીય ફાસ્ટ બોલરે કમાલનું પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડીએ હવે નિવૃત્તિની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે આ ખેલાડીએ પોતાની બોલિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું અને આઈપીએલના ઈતિહાસની પ્રથમ સુપર ઓવર પણ ફેંકી હતી.
ભારતના આ ખેલાડીએ કરી સંન્યાસની જાહેરાત
રાજસ્થાન રોયલ્સની ટીમમાં રમી ચૂકેલા બોલર કામરાન ખાને નિવૃત્તિની જાહેરાત કરી છે. કામરાને સોશિયલ મીડિયા દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી છે. કામરાન ખાને પોતાની ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરતા લખ્યું કે ગુડ બાય IPL અને તે રમત જેને હું ખુબ પસંદ કરુ છું. આ રમતે મને ઘણું આપ્યું છે. બધા કોચ, દિવંગત શેન વોર્ન સર, રાજસ્થાન રોયલ્સ, પુણે વોરિયર્સ ઈન્ડિયા અને મારા બધા મિત્રો તથા પરિવારનો આભાર.
ICC ટુર્નામેન્ટમાં 25 વર્ષ બાદ આવું જોવા મળ્યું....વેસ્ટ ઈન્ડિઝે ગજબ કર્યો
કામરાન ખાનનું કરિયર
કામરાન ખાન આઈપીએલમાં વર્ષ 2009થી 2011 સુધી રમ્યો હતો. આ દરમિયાન તેણે રાજસ્થાન રોયલ્સ અને પુણે વોરિયર્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ફાસ્ટ બોલર કામરાન ખાને આઈપીએલમાં 9 મેચ રમી અને 9 વિકેટ લીધી હતી. તેની સ્પીડ અને સટીક યોર્કરને જોતા શેન વોર્ને તેને ટોરનેડો નામ આપ્યું હતું. ટોરનેડો તોફાનનું નામ છે. પરંતુ તે પોતાની લય લાંબા સમય સુધી જાળવી શક્યો નહીં. તેને ભારતનો ફ્યૂચર સ્ટાર ગણાવવામાં આવી રહ્યો હતો. આઈપીએલ 2011માં રમ્યા બાદ કામરાન ખાન ગુમ થઈ ગયો હતો.
આઈપીએલ ઈતિહાસની પ્રથમ સુપર ઓવર ફેંકી
IPL ના ઈતિહાસની પ્રથમ સુપર ઓવર વર્ષ 2009માં કોલકત્તા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ વચ્ચે રમાયેલી મેચમાં જોવા મળી હતી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સ માટે કામરાન ખાને સુપર ઓવર ફેંકી હતી અને ટીમને જીત અપાવી હતી.