દુબઈઃ પંજાબ કિંગ્સ ફરી ચોકર્સ સાબિત થઈ છે. 19 ઓવર સુધી મેચમાં આગળ રહેલી કિંગ્સ પંજાબને અંતિમ ઓવરમાં જીત માટે માત્ર ચાર રનની જરૂર હતી. પરંતુ યુવા બોલર કાર્તિક ત્યાગીએ અંતિમ ઓવરમાં માત્ર 1 રન આપ્યો અને બે વિકેટ ઝડપી હતી. આ સાથે રાજસ્થાને બે રને રોમાંચક જીત મેળવી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 10 વિકેટે 185 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબ કિંગ્સની ટીમ 20 ઓવરમાં 4 વિકેટે 183 રન બનાવી શકી હતી. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સની ટીમના 8 પોઈન્ટ થઈ ગયા છે. રાજસ્થાને 8 મેચ રમી છે અને ચાર જીત મેળવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ અને મયંકની શાનદાર બેટિંગ
રાજસ્થાને આપેલા 186 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સને બંને ઓપનરોએ મજબૂત શરૂઆત અપાવી હતી. રાહુલ અને મયંકે પ્રથમ છ ઓવરમાં 49 રન જોડ્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 120 રનની ભાગીદારી કરી હતી. કેએલ રાહુલ 33 બોલમાં 4 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 49 રન બનાવી ચેતન સાકરિયાનો શિકાર બન્યો હતો. મયંક અગ્રવાલ 43 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 67 રન બનાવી રાહુલ તેવતિયાનો શિકાર બન્યો હતો. પંજાબે 126 રનના સ્કોર પર પોતાની બીજી વિકેટ ગુમાવી હતી.


ત્યારબાદ નિકોલસ પૂરન અને એડન માર્કરામે ત્રીજી વિકેટ માટે 57 રનની ભાગીદારી કરી હતી. નિકોલસ પૂરન 22 બોલમાં 2 સિક્સ અને એક ફોર સાથે 32 રન બનાવી કાર્તિક ત્યાગીનો શિકાર બન્યો હતો. ત્યારબાદ દીપક હુડ્ડા શૂન્ય રન બનાવી આઉટ થયો છે. રાજસ્થાન તરફથી કાર્તિક ત્યાગીએ બે  તથા ચેતન સાકરિયા અને રાહુલ તેવતિયાએ એક-એક વિકેટ ઝડપી છે. 


મેચમાં કોહલીની ઈજ્જત દાવ પર લાગી હતી ત્યારે તેનો બોલર યુવતી સાથે આંખ મિચોલી રમતો હતો, જુઓ Video


રાજસ્થાનની ઈનિંગનો રોમાંચ
રાજસ્થાનને યશસ્વી જયસવાલ અને ઇવિન લુઇસે મળીને તોફાની શરૂઆત અપાવી અને પ્રથમ વિકેટ માટે 54 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીને અર્શદીપે લુઇસને 36 રને આઉટ કરીને તોડી હતી. ટીમનો કેપ્ટન સંજૂ સેમસન માત્ર 4 રન બનાવી ઇશાન પોરેલનો શિકાર બન્યો હતો. લિયામ લિવિંગસ્ટોને 17 બોલમાં 25 રનની ઈનિંગ રમી અને તે અર્શદીપની ઓવરમાં કેચ આઉટ થયો હતો. 


યશસ્વી જયસવાલ 36 બોલ પર 49 રનની ઈનિંગ રમી અને તે હરપ્રીત બરારની ઓવરમાં મયંકને હાથે કેચઆઉટ થયો હતો. તેણે પોતાની ઈનિંગમાં બે સિક્સ અને છ ચોગ્ગા ફટકાર્યા હતા. રિયાન પરાગને શમીએ 4 રનના સ્કોર પર આઉટ કર્યો હતો. મહિપાલ લોમરોરે 17 બોલમાં 4 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 43 રન બનાવ્યા અને અર્શદીપનો શિકાર બન્યો હતો. રાહુલ તેવતિયા બે રન બનાવી આઉટ થયો હતો. પંજાબ તરફથી અર્શદીપ સિંહે પાંચ વિકેટ અને શમીએ ત્રણ વિકેટ ઝડપી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube