રાંચી વનડેઃ ધોનીના ઘરમાં શ્રેણી વિજય માટે ઉતરશે ભારત, ભૂવીની વાપસી થશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવારે રાંચીમાં ત્રીજી વન ડે મેચ રમાવાની છે, ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું આ ઘરેલુ મેદાન છે
રાંચીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે શુક્રવારે મહેન્દ્ર સિંહ ધોનીના ગૃહનગર રાંચીમાં શ્રેણી વિજયના ઈરાદા સાથે ઉતરશે. આ બંને ટીમ વચ્ચે પાંચ મેચની વન ડે શ્રેણીની આ ત્રીજી મેચ છે. ભારતીય ટીમ શ્રેણીની પ્રથમ બે મેચ જીતીને 2-0થી આગળ છે. ભારતે હૈદરાબાદ અને નાગપુરની વન ડેમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા માટે શ્રેણી જીવંત રાખવા માટે આ મેચ જીતવી અનિવાર્ય છે.
આ મેચમાં પણ મહેન્દ્ર સિંહ ધોની પર સૌની નજર રહેશે, કેમ કે તે પોતાના ઘરેલુ મેદાન પર રમી રહ્યો છે. આ અગાઉ ધોનીએ આ મેદાન પર જ કેપ્ટન તરીકે પ્રથમ વખત પગ મુક્યો હતો. ભારતે આ મેદાન પર 26 ઓક્ટોબર, 2016ના રોજ ન્યૂઝિલેન્ડ સામે મેચ રમી હતી. જેમાં ભારતનો 19 રને પરાજય થયો હતો. આ મેચમાં ધોની કેપ્ટન હતો.
વર્તમાન ટીમમાં ધોનીના માથે મિડલ ઓર્ડરની જવાબદારી છે.કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને શિખર ધવને ટોચનો ક્રમ મજબૂત કરવાનો રહેશે, જે છેલ્લી બે મેચમાં જોવા મળ્યો નથી. વર્લ્ડ કપની દૃષ્ટિએ અંબાતી રાયડુ ચોથા નંબરે સારો વિકલ્પ માનવામાં આવે છે, પરંતુ છેલ્લી બે મેચમાં તે નિષ્ફળ રહ્યો છે.
ભારતીય ટીમમાં બાકીની ત્રણ મેચ માટે ફેરફાર થયો છે. સિદ્ધાર્થ કૌલના સ્થાને ભુવનેશ્વર કુમારને ટીમમાં સામેલ કરાયો છે. અંતિમ-11માં ભુવનેશ્વર કુમારને સ્થાન મળી શકે છે અને તેની સામે મોહમ્મદ શમી કે જસપ્રીત બુમરાહને બહાર બેસવું પડી શકે છે. સ્પિનર તરીકે યુજવેન્દ્ર ચહલને આ સીરીઝમાં તક મળી નથી. બંને મેચમાં રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે કમાન સંભાળી છે.
VIDEO : ધોની બન્યો ટીમ ઈન્ડિયાનો 'ડ્રાઈવર', કરાવી 'હમર'ની સવારી
ઓસ્ટ્રેલિયાને આ મેચમાં અગાઉ કરતા વધુ તાકાત લગાવવી પડશે. કેપ્ટન એરોન ફિન્ચની નિષ્ફળતાનો સિલસિલો આગળ વધતો જઈ રહ્યો છે. મધ્યમ ક્રમમાં પણ માર્ક્સ સ્ટોઈનિસ અને પીટર હેન્ડ્સકોમ્બ રમ્યા છે, પરંતુ છેલ્લી મેચમાં શોન માર્શ નિષ્ફળ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ પણ બે મેચમાં જોઈએ એવું સારું પ્રદર્શન કરી શક્યો નથી.
બોલિંગમાં ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન સારું રહ્યું છે. પેટ કમિન્સ, નાથન કુલ્ટરે ફાસ્ટ બોલિંગમાં પોતાનો દબદબો દેખાડ્યો છે. સ્ટોઈનિસે થોડા નિરાશ જરૂર કર્યા છે. સ્પિન બોલિંગમાં એડમ જેમ્પાએ છેલ્લી બે મેચમાં મહત્વપૂર્ણ બે વિકેટો લીધી હતી. મિડલ ઓવરમાં જેમ્પા અને મેક્સવેલ પાસે રન રોકવા ઉપરાંત વિકેટ લેવાની પણ આશા રહેશે.
ભારતની આ મેદાન પર ચોથી મેચ છે. તેમાંથી એક મેચમાં ભારત જીત્યું છે જ્યારે એકમાં પરાજય થયો છે. ઓસ્ટ્રેલિયા સામેની 2013માં રમાયેલી મેચ રદ્દ થઈ હતી.