નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં ધમાકેદાર પ્રદર્શન કર્યા બાદ ચેતેશ્વર પૂજારાનું બેટ શાંત થયું નથી. ઓસ્ટ્રેલિયાથી પરત આવ્યા બાદ તે પોતાની સેવાઓ આપવા માટે સૌરાષ્ટ્રની ટીમ સાથે પહોંચી ગયો અને ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું કે રણજી ટ્રોફીના ક્વાર્ટર ફાઇનલમાં ઈતિહાસ રચાઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લખનઉમાં ચાલી રહેલા બીજા ક્વાર્ટર ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રની ટીમે 372 રનના લક્ષ્યને 6 વિકેટ બાકી રાખીને હાસિલ કરી મોટો રેકોર્ડ બનાવી દીધો છે. 


ઉત્તર પ્રદેશની ટીમ આ મુકાબલામાં પહેલા બેટિંગ કરતા ઉતરી અને પ્રથમ ઈનિંગમાં વિશાળ 385 રન બનાવ્યા હતા. તેના તરફથી રિંકૂ સિંહે 150 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ ઈનિંગમાં 208 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 


ઉત્તર પ્રદેશને 178 રનની લીડ મળી હતી. પરંતુ બીજા દાવમાં યૂપીની ટીમ 194 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પરંતુ હજુ પણ સૌરાષ્ટ્ર માટે આ મેચ જીતવી આસાન ન હતી કારણ કે, તેની સામે 372 રનનો સૌથી મોટો લક્ષ્ય હતો. 


પરંતુ ત્યારબાદ સૌરાષ્ટ્રની ટીમે આજે એવું કારનામું કહ્યું કે, જે રણજીના ઈતિહાસમાં ક્યારેય થયું નથી. સૌરાષ્ટ્રએ 372 રનનો લક્ષ્ય હાસિલ કરી લીધો અને ઈતિહાસ રચી દીધો છે. ચેતેશ્વર પૂજારા 67 રન અને શેલ્ડન જેક્સનના અણનમ 73 રનની મદદથી સૌરાષ્ટ્રએ આ જીત મેળવી હતી. આ પહેલા ઓપનર હાર્વિક દેસાઈએ સદી ફટકારીને સૌરાષ્ટ્રને શાનદાર શરૂઆત અપાવી હતી. 


આ પહેલા રણજી ટ્રોફીના ઈતિહાસમાં સૌથી વધુ રન ચેઝ કરવાનો રેકોર્ડ આસામના નામે હતો. જેણે 2009માં સર્વિસેઝ વિરુદ્ધ 371 રનનો લક્ષ્ય હાસિલ કર્યો હતો. પરંતુ હવે સૌરાષ્ટ્રની મોટી જીતથી રેકોર્ડ તેના નામે થઈ ગયો છે.