IND vs ENG: બીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટા ફેરફાર, જાડેજા-રાહુલ બહાર, જાણો કોને મળી તક
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2 ફેબ્રુઆરીથી બીજી ટેસ્ટ મેચ રમાશે. પરંતુ પ્રથમ ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયાને ઝટકો લાગ્યો છે. રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ બીજી ટેસ્ટ રમી શકશે નહીં.
મુંબઈઃ ઈંગ્લેન્ડ સામે હૈદરાબાદ ટેસ્ટમાં ભારતે 28 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીત સાથે ઈંગ્લેન્ડની ટીમ પાંચ મેચની સિરીઝમાં 1-0થી આગળ થઈ ગઈ છે. આ મેચમાં પ્રથમ ઈનિંગમાં 190 રનની લીડ મેળવ્યા બાદ પણ ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાશે. પરંતુ આ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.
રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ બહાર
ભારતીય ક્રિકેટ બોર્ડે આપેલી માહિતી પ્રમાણે રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ બીજી ટેસ્ટ મેચમાં રમશે નહીં. રવિન્દ્ર જાડેજાને બીજી દરમિયાન હેમસ્ટ્રિંગ ઈંજરી થઈ હતી. જેના કારણે તે બીજી ટેસ્ટ મેચ રમી શકશે નહીં. જ્યારે કેએલ રાહુલ પણ બીજી ટેસ્ટમાં જોવા મળશે નહીં. વિરાટ કોહલી પણ અંગત કારણોસર પ્રથમ બે ટેસ્ટ માટે ઉપલબ્ધ નથી. પ્રથમ ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે આ બંને ખેલાડીએ પ્રથમ ઈનિંગમાં સારી બેટિંગ કરી હતી.
આ ખેલાડીઓને મળી તક
બીસીસીઆઈએ આપેલી માહિતી પ્રમાણે પસંદગીકારોએ બીજી ટેસ્ટ માટે ત્રણ ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યાં છે. ભારતીય ટીમમાં ડોમેસ્ટિકમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા સરફરાઝ ખાનને સામેલ કરવામાં આવ્યો છે. આ સાથે સ્પિન ઓલરાઉન્ડર વોશિંગટન સુંદર અને સૌરભ કુમારને બીજી ટેસ્ટ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (C), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર, KS ભરત (WK), ધ્રુવ જુરેલ (WK), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ. સિરાજ, મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ (વાઇસ કેપ્ટન), આવેશ ખાન, રજત પાટીદાર, સરફરાઝ ખાન, વોશિંગ્ટન સુંદર, સૌરભ કુમાર.