કોહલી, રોહિત બાદ હવે રવીન્દ્ર જાડેજાએ ટી20 ક્રિકેટને કહ્યું અલવિદા, સોશિયલ મીડિયા પર આપી જાણકારી
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ ભારતીય ટીમે આઈસીસી ટી20 વિશ્વકપ જીત્યા બાદ સતત નિવૃત્તિના સમાચાર સામે આવી રહ્યાં છે. વિરાટ કોહલી, રોહિત શર્મા બાદ હવે સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ટી20 ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. રવીન્દ્ર જાડેજા હવે ભારત માટે ટી20 ક્રિકેટ રમતો જોવા મળશે નહીં. જાડેજાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરી આ જાણકારી આપી છે.
15 વર્ષના ટી20 કરિયરને કહ્યું અલવિદા
જાડેજાએ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 ફેબ્રુઆરી 2009માં પર્દાપણ કર્યું હતું. તેણે પ્રથમ મુકાબલો શ્રીલંકા વિરુદ્ધ કોલંબોમાં રમ્યો હતો. પર્દાપણ ટી20 મેચમાં જાડેજાએ 4 ઓવરમાં 29 રન આપ્યા હતા. જ્યારે બેટથી 5 રન બનાવ્યા હતા.
જાડેજાએ અંતિમ મેચ ટી20 વિશ્વકપની ફાઈનલ રમી છે. આ મેચમાં જાડેજાએ 2 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં તેણે 12 રન આપ્યા હતા. એટલે કે પર્દાપણ અને છેલ્લી મેચ એક સમાન લાગી રહી છે. જાડેજાની ગણના ભારતના બેસ્ટ ઓલરાઉન્ડરમાં થાય છે. જાડેજા ખુબ સારો ફીલ્ડર પણ રહ્યો છે.
વિશ્વકપમાં ન ચાલ્યો જડ્ડુનો જાદૂ
રવીન્દ્ર જાડેજાના ફોર્મની વાત કરીએ તો 6 ટી20 વિશ્વકપ રમવાનો અનુભવ હોવા છતાં જાડેજા ટી20 વિશ્વકપમાં ખાસ કંઈ કરી શક્યો નહીં. રવીન્દ્ર જાડેજાનું ગઈકાલે સમાપ્ત થયેલી ટૂર્નામેન્ટમાં પ્રદર્શન સાધારણ રહ્યું હતું. તે ટૂર્નામેન્ટ દરમિયાન માત્ર એક વિકેટ લઈ શક્યો હતો. જ્યારે બેટિંગમાં પણ કોઈ મોટો કમાલ કરી શક્યો નહીં.