શું નાગપુર ટેસ્ટમાં જાડેજાએ `ચીટિંગ` કરી? વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયામાં લાગ્યા આરોપ
શું ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ નાગપુરટેસ્ટ મેચના પહેલા દિવસે ચીટિંગ કર્યું? તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જેના પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ટિમ પેને પણ કટાક્ષ કર્યો છે.
નાગપુરઃ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ નાગપુર ટેસ્ટ મેચના પ્રથમ દિવસે શાનદાર બોલિંગ કરી હતી. તેણે વિપક્ષી ટીમના બે મજબૂત બેટરોને આઉટ કર્યાં અને જલદી પાંચ વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાને બેકફુટ પર ધકેલી દીધું હતું. તે ઘણા સમય બાદ ટેસ્ટ મેચમાં કમબેક કરી રહ્યો હતો અને તેની શાનદાર બોલિંગ ચર્ચાનો વિષય રહી, પરંતુ ઓસ્ટ્રેલિયાના મીડિયાએ જાડેજા પર ગંભીર આરોપ લગાવ્યો છે.
હકીકતમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે ઓસ્ટ્રેલિયાના મીડિયા અને ક્રિકેટ જગતમાં હંગામો ઉભો કરી દીધો છે. ત્યાં સુધી કે ટીમના પૂર્વ કેપ્ટન ટિમ પેને પણ નિશાન સાધ્યું છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે જાડેજાએ બોલિંગ માટે તૈયાર થતાં પહેલા મોહમ્મદ સિરાજ તેની પાસે આવે છે અને સિરાજના હાથની ઉપર કોઈ પદાર્થ લાગેલો હોય છે, જેને જાડેજા પોતાની આંગળી પર ઉઠાવે છે.
જાડેજાના 'મેજિક બોલે' સ્મિથના ઉડાવી દીધા સ્ટમ્પ, ખબર જ ના પડી કે બોલ ક્યાંથી ગયો
નોંધનીય છે કે આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ બેટ્સમેન સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેન સહિત પાંચ બેટરોને આઉટ કર્યાં હતા. શરૂઆતમાં તેને પિચ પરથી કોઈ ખાસ મદદ ન મળી, પરંતુ બીજા સેશનમાં તેણે પહેલાં માર્નસ લાબુશેનને આઉટ કર્યો અને પછી મેટ રેનશોને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ સ્મિથને ક્લિન બોલ્ડ કર્યો હતો.
શું છે સત્ય?
જાણવા મળી રહ્યું છે કે જાડેજાએ દુખતી આંગળી પર મલમ લગાવ્યો હતો. પરંતુ આમ કરતા પહેલા અમ્પાયરને જાણ કરવાની જરૂર હતી. જે રીતે વીડિયોમાં જાડેજા કરી રહ્યો છે. તે રીતે કહી શકાય કે તે કોઈ ચીટિંગ કરી રહ્યો હતો, પરંતુ હકીકત શું છે, તે હજુ સ્પષ્ટ થયો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube