નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા માટે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી ચાર મેચની ટેસ્ટ સિરીઝ પહેલા એક મોટા ખુશીના સમાચાર આવ્યા છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચ પહેલા દિગ્ગજ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. તે જલદી ટીમની સાથે જોડાવાનો છે. રિપોર્ટ પ્રમાણે 2 ફેબ્રુઆરી એટલે આજથી નાગપુરમાં પ્રેક્ટિસ કેમ્પ શરૂ થઈ રહ્યો છે, કારણ કે 9 ફેબ્રુઆરીએ પ્રથમ ટેસ્ટ રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિકબઝના રિપોર્ટ પ્રમાણે ઓલરાઉન્ડર જાડેજાને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી એટલે કે એનસીએ દ્વારા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝની પ્રથમ મેચ એટલે કે નાગપુર ટેસ્ટમાં ભાગ લેવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. ભાગ લેવા માટે તેની તૈયારી પર એક ફિટનેસ રિપોર્ટ બુધવારે એનસીએ દ્વારા જારી કરવામાં આવ્યો, જેણે તેના માટે નાગપુરમાં ટીમમાં સામેલ થવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. 


તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જાડેજા ઓગસ્ટ 2022માં છેલ્લે આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે ઉતર્યો હતો, જ્યારે દુબઈમાં એશિયા કપમાં ભારતે હોંગકોંગનો સામનો કર્યો હતો. ત્યારબાદ તેને ઘુંટણની ઈજા થઈ હતી. તે પાંચ મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. તે ટી20 વિશ્વકપમાં પણ રમી શક્યો નહીં. 


અય્યરની ફિટનેસ પર એનસીએની નજર
રવિન્દ્ર જાડેજાની વાપસીથી ભારતીય ટીમને ખુશીના સમાચાર મળ્યા છે. કારણ કે ટેસ્ટ મેચમાં જાડેજા બોલિંગ અને બેટિંગ બંનેમાં મહત્વનો ખેલાડી છે. પરંતુ શ્રેયસ અય્યર પ્રથમ ટેસ્ટ મેચ રમી શકશે નહીં. રિપોર્ટ પ્રમાણે અય્યરે હજુ ફિટનેસ હાસિલ કરી નથી, એટલે તેને ફિટ જાહેર કરવામાં આવ્યો નથી. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેને હજુ પણ રિહેબની જરૂર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube